કેન્દ્ર સરકાર દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે પીએફમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવવા જઈ રહી છે. હવે ઈપીએફ ખાતાધારકો યુપીઆઈ દ્વારા સીધા પોતાના પીએફના પૈસા ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, સરકારે આ નવી ટેક્નોલોજી આધારિત સુવિધાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પૂર્ણ કરી લીધું છે. આથી હવે એનો ઉપયોગ દરેક નોકરિયાત વર્ગ કરી શકશે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, નવી સુવિધા હેઠળ ઈપીએફઓ સભ્યોને તેમના ખાતામાં ઉપલબ્ધ અને ઉપાડી શકાય તેટલું બેલેન્સ લાઈવ જોવા મળશે. ત્યારબાદ સભ્યો પોતાના બેંક ખાતા સાથે લિંક કરાયેલા યુપીઆઈ પીનનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પૂર્ણ કરી શકશે. આ રીતે ઉપાડેલી રકમ સીધી સભ્યના લિંક થયેલા બેંક ખાતામાં જમા થઈ જશે, જેનો ઉપયોગ તેઓ ડિજિટલ પેમેન્ટ માટે અથવા એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે કરી શકશે.હાલની વ્યવસ્થા મુજબ, જો કોઈ ખાતાધારકને પીએફના પૈસા ઉપાડવા હોય, તો તેમણે ઓનલાઈન ક્લેમ કરવો પડે છે. ત્યારબાદ ઈપીએફઓ દ્વારા દસ્તાવેજોની વેરિફિકેશન પ્રક્રિયા થાય છે અને મંજૂરી મળ્યા બાદ જ રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ પરંપરાગત પ્રક્રિયામાં સામાન્ય રીતે કેટલાક દિવસોનો સમય લાગી જાય છે. આ નવી સુવિધા ગૂગલ પ્લેટફોર્મ અને કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ શરૂ કરાયેલા ‘ઈપીએફઓ 3.0’ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ છે. ઈપીએફઓ 3.0 અંતર્ગત પીએફ સંબંધિત તમામ સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ અપગ્રેડેશન પછી યુઝર્સને UPI દ્વારા વિડ્રોઅલ, એટીએમ દ્વારા પીએફ ઉપાડ, સરળ એકાઉન્ટ ટ્રાન્સફર અને ઝડપી ઓટો-ક્લેમ સેટલમેન્ટ જેવી અત્યાધુનિક સેવાઓનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application