BREAKING NEWS

પાલીતાણામાં જૈન ગુરુકુળ શરૂ કરવાની દરખાસ્ત શિક્ષણ બોર્ડે નામંજૂર કરી

  • February 10, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા મહિનાઓ બાકી છે ત્યારે નવી શાળાઓ શરૂ કરવામાં માટે મંજૂરી માગતી આવેલી દરખાસ્તો પરત્વે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધડાધડ નિર્ણયો લેવાય રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં નવી શાળા શરૂ કરવા માટે આવેલી 28 અરજીઓમાંથી 12 નામંજૂર કરવામાં આવી છે અને 16 મંજૂર કરવામાં આવી છે.

પાલીતાણામાં યશોવિજયજી જૈન ગુરુકુળ શરૂ કરવા માટે ગુરુકુળ તપોવન વિદ્યાલય દ્વારા બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થી ભાઈ- બહેનો માટેની સ્કૂલ શરૂ કરવા માટેની આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.

કુલ જે બાર દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે તેમાં અમદાવાદની સાત, વડોદરાની બે, મહીસાગર પાલીતાણા અને પાટણની એક- એક સ્કૂલનો સમાવેશ થાય છે.

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગાંધીનગર જિલ્લામાં એસજી હાઇવે પર જમિયતપુરામાં બે નવી સ્કૂલ શરૂ કરવા માટેની બે દરખાસ્ત કરવામાં આવી હતી અને આ બંને દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. અંગ્રેજી માધ્યમની બોયઝ માટેની આ બંને સ્કૂલ રહેશે.

જસદણ તાલુકામાં રાજ્ય સરકારે નવી કોલેજ મંજૂર કર્યા પછી હવે આ તાલુકામાં ગુજરાતી માધ્યમની નવી સ્કૂલ માટેની દરખાસ્ત પાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. વિછીયા તાલુકાના મોઢુકા ગામે વિવેકાનંદ વિદ્યાવિહાર નામની શાળા શરૂ કરવા માટેની દરખાસ્તને બોર્ડે મંજૂરી આપી છે.

આ ઉપરાંત ધોરાજીમાં રોયલ એજ્યુકેશન ટ્રસ્ટ ઓફ એક્સેલન્સ દ્વારા સ્કૂલ શરૂ કરવા માટેની થયેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કચ્છના રાતીયા ગામે કચ્છ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેઇનબો ઇન્ડિયા સ્કુલ શરૂ કરવા માટેની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application