રાજકોટવાસીઓના હૃદય સમો રેસકોર્સ ગાર્ડન હવે રોશનીથી ઝગમગી ઉઠશે. મહાપાલિકાનો ગ્લો ગાર્ડન પ્રોજેક્ટ સાકાર થયેથી હવે સાંજે ૬થી ૧૨ સુધી રેસકોર્સ રિંગ રોડની પાળીએ જ નહીં પરંતુ રેસકોર્સ ગાર્ડનની અંદર ચકાચોંધ રોશનીનો ઝગમગાટ પથરાશે. રેસકોર્સ ગાર્ડનમાં નવા સેલ્ફી પોઇન્ટ્સ નિર્માણ કરાશે. જો કે આ પ્રોજેક્ટ સાકાર થતા હજુ સવા વર્ષ લાગશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના રેસકોર્સમાં ગ્લો ગાર્ડન પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જે મે-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ પ્રોજેક્ટમાં રેસકોર્સને આધુનિક અને આકર્ષક બનાવવા માટે વિવિધ સુવિધાનો સમાવેશ કરવામાં આવશે, જેમ કે થીમ આધારિત ગાર્ડન્સ જેમાં કેક્ટસ થીમ, બાંબૂ ગ્રાસ થીમ, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડન નિર્માણ કરાશે. ગ્લો ગાર્ડનમાં મુખ્યત્વે લાઈટિંગ ઇફેક્ટ જ મુખ્ય રહેશે જેમાં વિવિધ પશુ-પક્ષીઓ, વૃક્ષો અને વિવિધ આકૃતિઓને રોશનીની ઝળહળતી અસર આપવામાં આવશે. તદઉપરાંત વેસ્ટ ટુ વન્ડરમાં વપરાશ બાદની વસ્તુઓમાંથી સર્જનાત્મક શિલ્પો તૈયાર કરવામાં આવશે તેમજ બટરફ્લાય લેન્ડસ્કેપ ડિઝાઇનમાં આકર્ષક ફ્લાવર બેડ ગાર્ડનની સુંદરતા વધારશે. આ પ્રોજેક્ટ રાજકોટને નવું નાઇટ ટુરિઝમ હબ બનાવશે અને પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરવા માટે એક આધુનિક સ્થળ પૂરું પાડશે.
આ શહેરોમાં છે ગ્લો ગાર્ડન
-સાબરમતી રિવર ફ્રન્ટ, અમદાવાદ
-સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્લો ગાર્ડન, કેવડિયા
-મુંબઇ ગ્લો ગાર્ડન, ગિરગામ ચોપાટી
-બ્રિંદાવન ગાર્ડન, મૈસૂર
-મ્યુઝિકલ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
-ગાર્ડન ઓફ સાયલન્સ, ચંદીગઢ
-નેકચંદ રો ગાર્ડન, ચંદીગઢ