ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૭ના વર્ષ દરમિયાન રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આગામી વર્ષ ૨૦૨૭ દરમિયાન કુલ ૧૮ જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. જાહેર રજાઓની સાથે સાથે સરકારી કર્મચારીઓ માટે વૈકલ્પિક (મરજિયાત) રજાઓની સત્તાવાર યાદી પણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
જાહેર રજાઓની યાદીમાં મુખ્ય તહેવારોનો સમાવેશ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં ધાર્મિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુખ્ય દિવસોને જાહેર રજા તરીકે સાંકળી લેવાયા છે. જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર), ધૂળેટી, ગુડ ફ્રાઈડે અને ચેટીચાંદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ (ઈદ-ઉઝ-ઝુહા), મોહરમ, રક્ષાબંધન, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, જૈન સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતિ, દિવાળી તેમજ નૂતન વર્ષ (બેસતું વર્ષ) સહિતના તહેવારો પર જાહેર રજા રહેશે.
વૈકલ્પિક (મરજિયાત) રજાઓની યાદી પણ પ્રસિદ્ધ
જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ પોતાની પસંદગી અને ધાર્મિક આસ્થા મુજબ રજાઓ મેળવી શકે તે માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેરનામામાં દર્શાવવામાં આવી છે. કર્મચારીઓ આ યાદીમાંથી નિયમ મુજબ મરજિયાત રજા પસંદ કરી શકશે. વૈકલ્પિક રજાઓની આ યાદીમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ (પતેતી), ઈદ-એ-મિલાદ, વિજયાદશમી (દશેરા) તથા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના વિવિધ પર્વો અને મહાનુભાવોની જન્મજયંતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજાઓ અંગેના મહત્વના નિયમો અને શરતો
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ જાહેરનામામાં રજાઓ અંગેના ખાસ નિયમોની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જો કોઈ જાહેર રજા મહિનાના બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારના સરકારી રજાના દિવસે આવતી હશે, તો તેના બદલામાં અન્ય કોઈ કામકાજના દિવસે અલગથી રજા આપવામાં આવશે નહીં.
વધુમાં, મુસ્લિમ સમુદાયના તહેવારો માટેની રજાઓ કેલેન્ડરની તારીખ ઉપરાંત ચંદ્રદર્શન (ચંદ્રોદય) ને આધીન રહેશે. આ સમગ્ર જાહેરનામું ગુજરાત સરકારની તમામ રાજ્ય કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં અમલી બનાવવા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાન્યુઆરીથી માર્ચ
- 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર)
- 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર)
- 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર)
- 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર)
- 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
- 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)
એપ્રિલથી જૂન
- 7 એપ્રિલ – ચેટીચાંદ (બુધવાર)
- 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
- 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર)
- 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
- 17 મે – બકરી ઈદ (સોમવાર)
- 16 જૂન – મોહરમ (બુધવાર)
ઓગસ્ટથી ઓક્ટોબર
- 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
- 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
- 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
- 2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતિ (શનિવાર)
- 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
- 30 ઓક્ટોબર – નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2084 (શનિવાર)
9 વૈકલ્પિક રજાઓ જાહેર
જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓને વર્ષ 2027માં 9 વૈકલ્પિક રજાઓનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ રજાઓમાં નીચેના તહેવારોનો સમાવેશ થાય છે.
- 8 મે ભગવાન પરશુરામ જયંતિ (શનિવાર)
- 15 ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિન (રવિવાર)
- પારસી નૂતન વર્ષ અને પતેતી (રવિવાર)
- ઈદ-એ-મિલાદુન્નબી (રવિવાર)
- 9 ઓક્ટોબર – દશેરા (શનિવાર)
- 31 ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ (રવિવાર)
- 31 ઓક્ટોબર – ભાઈબીજ (રવિવાર)
- 14 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ (રવિવાર)
- 25 ડિસેમ્બર – નાતાલ (શનિવાર)
બેંકોમાં 2027 દરમિયાન 17 જાહેર રજાઓ
સરકારી કચેરીઓની સાથે બેંક કર્મચારીઓ માટે પણ રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2027માં બેંકો માટે કુલ 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારી કચેરીઓની યાદી કરતાં બેંકોની રજાઓમાં એક મહત્વનો તફાવત છે. બેંકોની યાદીમાં 7 એપ્રિલની ચેટીચાંદની રજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બેંકોની 17 જાહેર રજાઓ નીચે મુજબ છે.