ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો અને જમીન ધારકોના હિતમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા "ગુજરાત જમીન ટુકડા અટકાવ અને એકત્રીકરણ (સુધારા) વટહુકમ, ૨૦૨૬" ને મંજૂરી આપીને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વટહુકમ અંતર્ગત વર્ષ ૧૯૪૭ના જૂના કાયદામાં બે અતિ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેનાથી જમીનના ખરીદ-વેચાણ અને બિન-ખેતીની મંજૂરી મેળવવામાં પડતી મોટી અડચણો કાયમી ધોરણે દૂર થઈ જશે.
૨૯ જાન્યુઆરી ૧૯૪૮થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીના ટુકડા ભંગના વ્યવહારો નિયમિત
આ વટહુકમનો સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય કાયદાની કલમ ૯ માં કરવામાં આવેલો સુધારો છે. આ સુધારા મુજબ, જો ભૂતકાળમાં કોઈ જમીનની વહેંચણી, ભાગલા કે વેચાણ (તબદીલી) ટુકડા ધારાના નિયમોની વિરુદ્ધમાં એટલે કે ટુકડા ભંગ કરીને કરવામાં આવ્યા હશે, તો તેવા તમામ વ્યવહારોને હવે સરકાર દ્વારા કાયદેસર એટલે કે નિયમિત (Regularised) ગણવામાં આવશે. ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ થી લઈને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીના સમયગાળામાં થયેલા આવા તમામ વ્યવહારોને આ નિયમ લાગુ પડશે.
કોઈ દંડ નહીં ભરાય, ચાલુ કેસો આપોઆપ રદ થશે
સામાન્ય રીતે જમીનના કોઈપણ જૂના વ્યવહારો નિયમિત કરવા માટે સરકારે મોટી પેનલ્ટી કે પ્રીમિયમ ચૂકવવું પડતું હોય છે, પરંતુ આ સુધારા હેઠળ જમીન ધારકો પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ કે પ્રીમિયમ વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત, ટુકડા ભંગ અંગે ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર કે અન્ય કોઈ પણ મહેસૂલી સત્તાધિકારી સમક્ષ જે પણ કાનૂની કેસો કે કાર્યવાહીઓ હાલમાં ચાલી રહી હશે અથવા બાકી હશે, તે તમામ કેસો આપોઆપ રદ (Abate) થઈ જશે. આનાથી હજારો ખેડૂતોને કોર્ટ-કચેરીના ચક્કરમાંથી મુક્તિ મળશે.
સરકાર નવેસરથી 'સ્ટાન્ડર્ડ એરિયા' નક્કી કરી શકશે
કાયદાની કલમ ૫ માં કરવામાં આવેલા બીજા સુધારા અનુસાર, હવે રાજ્ય સરકાર પોતાની જરૂરિયાત મુજબ સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને કોઈ પણ ખાસ સ્થાનિક વિસ્તારની જમીન માટે "સ્ટાન્ડર્ડ એરિયા" (પ્રમાણિત વિસ્તાર/ન્યૂનતમ ટુકડાનું માપ) નવેસરથી નક્કી કે જાહેર કરી શકશે. આ સુધારાથી બદલાતી સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ વચ્ચે જમીન વહીવટમાં વધુ લવચીકતા આવશે.
સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ મૂળ કાયદો આશરે સાત દાયકા (૭૦ વર્ષ) જૂનો છે. આ સમય દરમિયાન ગુજરાતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. નગર નિયોજન અને ડેવલપમેન્ટ પ્લાન ના કારણે શહેરોની આસપાસની ખેતીની જમીનો હવે રહેણાંક, વાણિજ્ય કે ઔદ્યોગિક ઝોનમાં આવી ગઈ છે. આ જમીનો બિન-ખેતીનો ઉપયોગ કરવા માટે લાયક હોવા છતાં, ભૂતકાળના ટુકડા ભંગના કાયદાકીય નિયમોના કારણે ખાતેદારોને જરૂરી પરવાનગીઓ મળતી નહોતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અને રાજ્યના વિકાસની જરૂરિયાતો તેમજ કૃષિ હિતો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.