BREAKING NEWS

વિસરાઈ રહીં છે બેસતા વર્ષ સાથે સંકળાયેલી સબરસની પરંપરા, તળાવમાંથી મીઠું એકઠું કરી આખા ગામમાં કરાતું વિતરણ

  • November 10, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)







ગુજરાતી નવા વર્ષ એટલે કે કારતક સુદ એકમ, જેને બેસતું વર્ષ અથવા નૂતન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. નવા વર્ષના પ્રથમ દિવસે લોકો એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવે છે અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. જોકે, બેસતા વર્ષ સાથે ગુજરાતની એક એવી પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે, જે સમય જતાં વિસરાતી જઈ રહી છે. આ પરંપરા એટલે તળાવમાંથી મીઠું એકઠું કરીને ગામના તમામ લોકોમાં વહેંચવાની 'સબરસ'ની પરંપરા.


ખાસ કરીને ગુજરાતનાં ગામડાંઓમાં નવા વર્ષની ઉજવણીની પરંપરા અનોખી રહી છે. બેસતા વર્ષના સ્વાગત માટે લોકો પોતાના ઘરના આંગણે રંગબેરંગી રંગોળી બનાવે છે. વહેલી સવારે નવાં કપડાં પહેરીને મંદિરે દર્શન કરવા જાય છે અને વડીલોનાં આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ સગાં-સંબંધીઓ, મિત્રો અને ગામના અન્ય લોકોનાં ઘરે જઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.

આવી પરંપરાઓ ગામડાંના સામાજિક જીવનમાં આજે પણ જોવા મળે છે. એકબીજાને મળવું, સાથે સમય વિતાવવો અને સુખ-દુઃખમાં સહભાગી થવું એ ગ્રામ્ય સંસ્કૃતિની વિશેષ ઓળખ રહી છે.


પ્રાચીન સમયમાં ગામડાંઓમાં તહેવારો અને ખાસ પ્રસંગોએ સૌ સાથે મળીને ઉજવણી કરતા હતા. ગામના લોકો વચ્ચે એકતા અને સહકારની ભાવના જળવાઈ રહે તે માટે વિવિધ સામૂહિક પરંપરાઓનું પાલન કરવામાં આવતું હતું. તેમાં બેસતા વર્ષ સાથે જોડાયેલી સબરસની પરંપરા પણ ખાસ હતી.

આ પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે બાષ્પીભવનને કારણે પાણી સુકાઈ ગયેલાં તળાવોમાંથી મીઠું એકઠું કરવામાં આવતું હતું. મીઠાના પથ્થરો એકત્રિત કરીને ગામના દરેક પરિવારમાં તેનું વિતરણ કરવામાં આવતું હતું. આ મીઠાને 'સબરસ' તરીકે ઓળખવામાં આવતું હતું.


સબરસ માત્ર મીઠાનું વિતરણ નહોતું, પરંતુ તેની પાછળ એક સામાજિક સંદેશ છુપાયેલો હતો. ગામના દરેક પરિવારને એકસરખી રીતે મીઠું આપીને એવો સંદેશ આપવામાં આવતો હતો કે ગામના તમામ લોકો એક પરિવાર સમાન છે. સુખ-સમૃદ્ધિ સૌના જીવનમાં આવે અને દરેક વ્યક્તિ એકબીજાની સાથે જોડાયેલી રહે તેવી ભાવના આ પરંપરામાં રહેલી હતી.

જોકે, બદલાતા સમય અને આધુનિક જીવનશૈલીના કારણે સબરસની આ જૂની પરંપરા ધીમે ધીમે વિસરાતી ગઈ છે. એક સમયે ગામની એકતા અને સામૂહિકતાનું પ્રતીક ગણાતી આ પરંપરા હવે ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં બેસતા વર્ષ સાથે જોડાયેલી સબરસની પરંપરા ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને જૂના સામાજિક જીવનની યાદ અપાવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News