BREAKING NEWS

માલદીવમાં અત્યાર સુધીની સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના: અંડરવોટર ગુફાના સંશોધનમાં ગયેલા ઈટાલીના ૫ પ્રોફેશનલ ગોતાખોરોના દર્દનાક મોત

  • May 16, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા માલદીવમાંથી એક અત્યંત આઘાતજનક અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. માલદીવના 'વાવૂ એટલો (Vaavu Atoll)' માં સમુદ્રની નીચે આવેલી રહસ્યમય ગુફાઓની શોધખોળ કરવા ગયેલા ઈટાલીના પાંચ પ્રોફેશનલ ગોતાખોરો (Divers) ના કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓએ આ ઘટનાને માલદીવના ઈતિહાસની સૌથી મોટી અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. આ તમામ ડાઇવર્સ સમુદ્રમાં આશરે ૫૦ મીટરની ઊંડાઈએ આવેલી અંડરવોટર ગુફાઓના રિસર્ચ માટે ગયા હતા, પરંતુ કમનસીબે જીવતા પાછા ફરી શક્યા નથી.


હજુ સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો, શનિવારે ફરી સર્ચ ઓપરેશન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર એક જ ગોતાખોરનો મૃતદેહ બહાર કાઢી શકાયો છે. સમુદ્રની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. આશંકા છે કે બાકીના ચાર ડાઇવર્સના મૃતદેહ હજુ પણ ગુફાની અંદર જ ફસાયેલા છે. શનિવારથી ફરી એકવાર મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે.


માલદીવ સરકારે તમામ મૃતકોની ઓળખ જાહેર કરી છે, જેમાં મોનિકા મોન્ટેફાલ્કોને, જ્યોર્જિયા સોમાકાલ, ફેડેરિકો ગુઆલ્તિયેરી, મ્યુરિયલ ઓડેનિનો અને જિયાનલુકા બેનેડેટ્ટીનો સમાવેશ થાય છે. આ વૈજ્ઞાનિકોની ટીમ 'ડ્યુક ઓફ યોર્ક' નામની બોટ દ્વારા સમુદ્રમાં સંશોધન માટે ઉતરી હતી.


ઈટાલીની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા વૈજ્ઞાનિકો
અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા પાંચમાંથી ઓછામાં ઓછા ચાર ગોતાખોરો ઈટાલીની પ્રસિદ્ધ 'યુનિવર્સિટી ઓફ જેનોવા' સાથે સંકળાયેલા હતા.


મોનિકા મોન્ટેફાલ્કોને: તેઓ ટ્રોપિકલ મરીન ઈકોલોજી અને અંડરવોટર સાયન્સના પ્રોફેસર હોવાની સાથે માલદીવમાં ચાલી રહેલા આઇલેન્ડ મોનિટરિંગ પ્રોજેક્ટના સાયન્ટિફિક ડિરેક્ટર પણ હતા.


જ્યોર્જિયા સોમાકાલ: પ્રોફેસર મોનિકાની પુત્રી, જેમણે બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેને પણ ડાઇવિંગનો ભારે શોખ હતો.


મ્યુરિયલ ઓડેનિનો: ૩૧ વર્ષીય મરીન બાયોલોજિસ્ટ અને ઇકોલોજિસ્ટ.


ફેડેરિકો ગુઆલ્તિયેરી: મરીન બાયોલોજીમાં ડિગ્રી ધારક અને પ્રમાણિત સ્કુબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર.


જિયાનલુકા બેનેડેટ્ટી: બોટ ઓપરેશન્સ મેનેજર હતા, જેમનો મૃતદેહ ગુફાના પ્રવેશદ્વાર પાસેથી મળી આવ્યો છે.


સાંકડી અંડરવોટર ગુફા અને ખરાબ હવામાન બન્યા વિલન
બચાવ ટીમના જણાવ્યા મુજબ, આ અંડરવોટર ગુફા ખૂબ જ જટિલ છે. તેમાં ત્રણ મોટા ચેમ્બર (ઓરડા) આવેલા છે જે એકદમ સાંકડી ગલીઓથી જોડાયેલા છે. શુક્રવારે ૮ પ્રશિક્ષિત ગોતાખોરોએ બે ચેમ્બરની તલાશી લીધી હતી, પરંતુ ૨૫ થી ૩૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને દરિયાઈ કરંટના કારણે ઓપરેશન અધવચ્ચે રોકવું પડ્યું હતું. ઈટાલી સરકારે હવે આ મૃતદેહોને બહાર લાવવા માટે 'ડાઇવર્સ એલર્ટ નેટવર્ક' નામની નિષ્ણાત સંસ્થાની મદદ લીધી છે.


મોતનું રહસ્ય: ઓક્સિજન ખલાસ થયો કે પછી ગેસ પોઇઝનિંગ?

આ આંતરરાષ્ટ્રીય સ્તરના ગોતાખોરોના મોત પાછળના અસલી કારણની તપાસ માલદીવ પોલીસ કરી રહી છે. હાલ તપાસકર્તાઓ મુખ્ય ત્રણ શંકાઓ પર કામ કરી રહ્યા છે:

૧. રસ્તો ભટકી જવો: ખરાબ હવામાનને કારણે પાણીની અંદર વિઝિબિલિટી (દ્રશ્યતા) શૂન્ય થઈ ગઈ હશે અને ડાઇવર્સ ગુફાની અંદર બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હશે.

૨. સાથીને બચાવવાનો પ્રયાસ: કોઈ એક ડાઇવર ગુફામાં ફસાયો હોય અને બાકીના સાથીઓ તેને બચાવવાના ચક્કરમાં ત્યાં જ રોકાયા હોય, જેના કારણે પેનિક (ગભરાટ) માં તેમનો ઓક્સિજન ખલાસ થઈ ગયો હોય.

૩. ઓક્સિજન ટોક્સિસિટી: ઊંડા પાણીમાં અતિશય દબાણને કારણે ક્યારેક ઓક્સિજન ઝેરી ગેસમાં ફેરવાઈ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રોફેસર મોનિકાના પતિ કાર્લો સોમાકાલે જણાવ્યું કે, તેમની પત્ની અત્યંત અનુભવી ગોતાખોર હતી અને તે ક્યારેય પોતાની દીકરી કે ટીમને જોખમમાં ન મૂકે. ચોક્કસપણે પાણીની અંદર કોઈ મોટી અણધારી આફત આવી હશે. સ્થાનિક એજન્સીઓ ટૂંક સમયમાં જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application