ફાઇનાન્સરે એક કલાકમાં રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહેતા પરિવારે આપઘાત કર્યો હતો
ફાઇનાન્સરે એક કલાકમાં રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહેતા પરિવારે આપઘાત કર્યો હતો
September 11, 2026 02:14 PM
રાજકોટ સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્ક- ૧ માં રહેતા પીડબલ્યુડીની નિવૃત કર્મચારી દિલીપભાઇ નટવરલાલ ખખ્ખર અને તેમના પત્ની સ્મિતાબેન તથા પુત્ર નિશિતના સામૂહિક આપઘાત પ્રકરણમાં સંદીપ લલીતભાઇ લખતરીયા નામના ફાઇનાન્સર સામે અંતે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો છે. બનાવ અંગે પ્રહલાદ પ્લોટમાં આશાપુરા મેઇન રોડ પર રહેતાં ભાવિનભાઇ રસિકભાઈ ખખ્ખર (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદિપ લલિત લખતરીયા (રહે. રાજકોટ) નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વેપા૨ કરે છે. દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (રહે. સાધુવાસવાણી રોડ) તેમના કૌટુંબિક કાકા થાય છે. તેઓ પત્ની સ્મિતાબેન તથા તેના પુત્ર સાથે રહેતા હતા.ગઇ તા.૨૭/૦૭/૨૦૨૬ ના સાંજના તેમને જાણવા મળેલ કે, કૌટુંબિક કાકા દિલીપભાઈ તથા તેમના પત્નિ સ્મિતાબેન તથા તેમનો દિકરો નિશીતભાઈએ ઝેરી દવા પી લિધેલ છે અને સારવારમાં સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ છે. જે બાદ તે તુરંત સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ ત્યારે ત્રણેય લોકો સારવારમાં હતા અને ત્યા આ દિલીપભાઇના સગા વ્હાલા પણ હાજર હતા. થોડીવારમા તબીબે જણાવેલ કે, ઝેરી દવા પીવાથી આ ત્રણેયના મોત થયેલ છે. ત્રણેય લોકોના મોબાઇલ ફોન ત્યાંના સ્ટાફ દ્વારા દિલીપભાઈના ભત્રીજા સાગરભાઇને આપ્યા હતા. જેમા નિશીતભાઇના મોબાઇલ ફોનમા રેકોર્ડીંગ્ સાંભળતા આશરે બપોરના સમયે આ નિશીત એસ્ટ્રોન ચોક ખાતે લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આવેલ સંદિપ લખતરીયાની ઓફિસ ખાતે હોય અને ત્યાંથી તેણે તેના પિતા દિલીપભાઈને ફોન કર્યો હતો.