પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે ઉત્પાદન પર પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
વીરપુર પંથકના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં ઠીકઠાક વરસાદ થતાં ખેડૂતોએ
મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટ્યા હોવા છતાં હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા અને સુકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો પણ થયો નથી.
વરસાદ ખેંચાતા કુવા, બોર અને તળાવના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતો સામે પાકને પિયત પાણી આપવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાલ પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે.
ખાસ કરીને મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. ગરમી અને ભેજના અભાવને કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીઘે અંદાજે 70થી 80 ટકા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે સમયસર વરસાદ નહીં આવે તો કરવામાં આવેલો મોટો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
વરસાદના અભાવે કેટલાક ખેડૂતોએ એક જ પાકનું બે વખત વાવેતર કરવું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે ખેતીનો ખર્ચ બમણો થયો છે. કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને આગામી સમયમાં ઉત્પાદન પર તેની સીધી અસર થવાની શક્યતા છે. બીજી તરફ વરસાદની ખેંચને કારણે પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની પણ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.
એક તરફ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીનો વધતો ખર્ચ અને બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની અસર પણ પાક પર જોવા મળી રહી છે. પાકને બચાવવા પિયત કરવું કે વરસાદની રાહ જોવી, તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે અને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. જો સ્થિતિ ગંભીર હોય તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવામાં આવે.
હાલ વીરપુર પંથક સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. ખેડૂતો મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સમયસર અને પૂરતો વરસાદ નહીં આવે તો વાવેતર કરાયેલા પાકને મોટું નુકસાન થવાની સાથે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડી શકે છે અને ખેડૂતો પાયમાલ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application