સમગ્ર રાજ્યમાં પવિત્ર તહેવારોની શ્રેણી શરૂ થતાં જ મોંઘવારીનો ભારે ડોઝ સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ ખાંડના ભાવ પ્રતિકિલો રૂ. 70ને પાર પહોંચી ગયા છે, તો બીજી તરફ સુકામેવાના ભાવમાં થયેલો તોતિંગ વધારો પ્રજા માટે પડતા પર પાટા સમાન સાબિત થયો છે. શ્રાવણ માસથી શરૂ કરીને રક્ષાબંધન અને ગણેશોત્સવ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને મીઠાઈઓ મોંઘી થતાં ગરીબ અને મધ્યમ વર્ગ કમરતોડ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. નેતાઓ અને તંત્રની મૌન સ્વીકૃતિ વચ્ચે જનતા માટે આ તહેવારોની ઉજવણી કરવી આર્થિક રીતે અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
સુકામેવાના બજારમાં ભાવ વધારાનો સૌથી મોટો વિસ્ફોટ કિસમિસમાં જોવા મળ્યો છે, જેમાં સીધો 80%નો વધારો થયો છે. થોડા સમય પહેલાં જ માર્કેટમાં રૂ. 250 પ્રતિ કિલોના ભાવે મળતી કિસમિસ આજે રૂ. 450ના આસમાની સ્તરે પહોંચી ગઈ છે. માત્ર કિસમિસ જ નહીં, પરંતુ બદામના ભાવમાં પણ 20%નો વધારો નોંધાયો છે, જેના કારણે એક સપ્તાહ પૂર્વે રૂ. 1000માં મળતી બદામ હવે રૂ. 1200 પ્રતિકિલો વેચાઈ રહી છે. આ ઉપરાંત, એલચીના ભાવ જે પહેલાથી જ રૂ. 3500 પ્રતિ કિલો જેવા ઊંચા સ્તરે હતા, તેમાં વધુ 30%નો વધારો થતાં તે વધીને રૂ. 4500 થઈ ગયા છે. સુકામેવાની સાથે લોટ અને તેલ જેવી નિત્ય વપરાશની ચીજોમાં પણ ભાવવધારો થતાં રસોડાનું બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
કાચા માલના ભાવમાં થયેલા આ તોતિંગ વધારાની સીધી અસર ધાર્મિક પ્રસાદ અને તહેવારોની વાનગીઓ પર પડી રહી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં મહાદેવને ધરાવવામાં આવતા ચૂરમાના લાડુમાં કિસમિસ અને સુકામેવાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે હવે ભાવવધારાના કારણે મોંઘા બન્યા છે. આવનારા દિવસોમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભાઈ-બેનના મોં મીઠા કરાવવાની મીઠાઈઓ અને ત્યારબાદ ગણેશોત્સવમાં વિઘ્નહર્તા બાપ્પાને ધરાવાતા પ્રિય લાડુના પ્રસાદનું બજેટ પણ મોંઘવારીને કારણે બગડવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે.
મીઠાઈ અને દૂધના વેપારીઓના જણાવ્યા અનુસાર, માત્ર સુકોમેવો જ નહીં પરંતુ ખાંડના ભાવમાં પણ 40% જેટલો વધારો થઈ ચૂક્યો છે. આ સિવાય મીઠાઈ બનાવવામાં વપરાતા અન્ય કાચા માલ, દૂધ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પહેલાથી જ વધારી દેવામાં આવ્યા છે. ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે રૂ. 450થી રૂ. 1200 પ્રતિ કિલોના ભાવે મળતી પેંડા અને કાજુ કતરી સહિતની વિવિધ મીઠાઈઓના ભાવમાં 10% સુધીનો વધારો ઝીંકવો વેપારીઓ માટે મજબૂરી બન્યો છે. કેટલાક વેપારીઓએ તો અત્યારથી જ પ્રતિ કિલોએ રૂ. 40થી 50નો વધારો લાગુ કરી દીધો છે, જેના કારણે આ તહેવારોમાં મોં મીઠું કરવું પણ સામાન્ય માનવી માટે મોંઘું સાબિત થશે.