જામ્યુકોને શ્રાવણી મેળાની આવકમાં રૂ.૩૭ લાખનો ફટકો, જવાબદાર કોણ..?
ચર્ચાનો ચકડોળ: ગત વર્ષે ૪૩ પ્લોટના ટેન્ડરમાંથી રૂ.૨ કરોડ ૭ લાખની આવક સામે ચાલુ વર્ષે રૂ.૧ કરોડ ૭૦ લાખની આવક, ૪ પ્લોટ ખાલી રહેતા અનેક સવાલ
પ્લોટની અપસેટ કિંમતમાં ૨૫ ટકા વધારો, ટેન્ડરનું કોકડું ગુચવાયા બાદ નિર્ણયોમાં વિલંબ, ધંધાર્થીઓની નીરસતા, અંદરો અંદરની ગોઠવણ કે અન્ય કારણ જવાબદાર તે અંગે તરેહ-તરેહની ચર્ચા
જામનગર મહાનગરપાલીકાને ગત વર્ષ કરતા શ્રાવણી મેળાની પ્લોટના ટેન્ડરની આવક ચાલુ વર્ષે રૂ.૩૭ લાખ ઓછી થતાં એટલે કે ફટકો પડતા તેની પાછળ જવાબદાર કોણ તે સળગતો સવાલ ઉઠ્યો છે. ગત વર્ષે ગત વર્ષે ૪૩ પ્લોટના ટેન્ડરમાંથી રૂ.૨ કરોડ ૭ લાખની આવક સામે ચાલુ વર્ષે ૩૯ પ્લોટના ટેન્ડરમાંથી રૂ.૧ કરોડ ૭૦ લાખની આવક થઇ છે. મશીન મનોરંજનના સૌથી મોટા સહીત ૪ પ્લોટ ખાલી રહેતા આશ્ર્ચર્ય સર્જાયું છે. ત્યારે ચાલુ વર્ષે પ્લોટની અપસેટ કિંમતમાં ૨૫ ટકાનો વધારો, ટેન્ડરનું કોકડું ગુંચવાયા બાદ નિર્ણયોમાં વિલંબ, ઘંઘાર્થીઓની નીરસતા, અંદરોઅંદરની ગોઠવણ કે અન્ય કારણ જવાબદાર છે તે અંગે તરેહ-તહેરની ચર્ચા ચાલી રહી છે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા હતાં. આ ટેન્ડર ખોલવાની પ્રક્રીયામાં ફુડઝોનના ૬ પ્લોટ તથા પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા ખોલવામાં આવ્યા ન હતાં. જયારે મશીન મનોરંજનના ૮ પ્લોટના ટેન્ડર કે જે રૂ.૫ લાખથી વધુના હોય ઓનલાઇન મંગાવામાં આવ્યા હોય નિયત દીવસે આ ટેન્ડર ખુલવાની પ્રક્રીયા થઇ શકી ન હતી. આથી શ્રાવણી મેળો વિધિવત શરૂ થાય તે પહેલા ચકડોળે ચડયો હતો. ટેન્ડરનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા અને અન્ય કોઇ વિવાદ ન થાય તે માટે મહાનગરપાલીકાએ બાકી રહેલા ૧૬ પ્લોટની ઓપન હરાજી કરી હતી.
જેમાં ધંધાર્થીઓ દ્વારા ૧૬ માંથી ૧૨ પ્લોટ માટે ભાવ બોલાયા હતાં. જો કે, ટેન્ડર અને ઓપન હરાજી બાદ પણ મશીન મનોરંજનના સૌથી મોટા એક, આઇસક્રીમના બે અને ફુડઝોનના એક પ્લોટ માટે કોઇ બોલી બોલાઇ ન હતી. આથી આ ચાર પ્લોટ ચાલુ વર્ષે મેળામાં ખાલી રહેશે. ચાલુ વર્ષે મનપાને શ્રાવણી મેળાના ૩૯ પ્લોટના ટેન્ડર અને હરાજીમાંથી કુલ રૂ.૧.૭૦ કરોડ જેટલી આવક થઇ છે. જયારે ગત વર્ષે શ્રાવણી મેળાના ૪૩ પ્લોટના ટેન્ડરમાંથી મનપાને કુલ રૂ.૨ કરોડ ૭ લાખ જેટલી આવક થઇ હતી. એટલે કે આ વર્ષે ૪ પ્લોટ ખાલી રહેતા મનપાને રૂ.૩૭ લાખ જેટલી આવક ઓછી થઇ છે. ત્યારે આ માટે જવાબદાર કોણે તે સવાલ મનપાના વર્તુળોમાં જોરશોરથી ઉઠયો છે.
અત્રે નોંધનીય છે કે,મનપાના આવકના સ્ત્રોત મર્યાદીત હોય વિકાસકાર્યો માટે મહદઅંશે ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. ત્યારે શ્રાવણી મેળાના પ્લોટમાં રૂ.૩૭ લાખની આવકનો ફટકો પડતા અનેક સવાલ ઉઠ્યા છે. આવકના ઘટાડા પાછળ પ્લોટની અપસેટ કિંમતમાં ૨૫ ટકાનો વધારો, ટેન્ડરનું કોકડું ગુંચવાયા બાદ નિર્ણયોમાં વિલંબ, મનપાના જુદા-જુદા વિભાગોમાં સંકલનનો અભાવ, ધંધાર્થીઓની નીરસતા કે અંદરો અંદરની ગોઠવણ કે અન્ય કારણ જવાબદાર તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. નવાઇની વાત તો એ છે કે, ગત વર્ષે શ્રાવણી મેળાના પ્લોટમાંથી કુલ કેટલી આવક થઇ તેની વિગતો મનપાની સંબધિત શાખા કોમ્પ્યુટરમાંથી ઉડી ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કોમ્પ્યુટરમાં વાયરસ આવ્યો હોય રીપેરીંગ માટે આપતા બેકઅપ લીધું હોવા છતાં આ વિગતો ઉડી ગયાનું સૂત્રોએ ઉમેરતા આશ્ર્ચર્યની સાથે રહસ્યના તાણાવાણા અને અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે શ્રાવણી મેળાના પ્લોટમાંથી રૂ.૩૭ લાખ ઓછી આવક ૪ પ્લોટ ખાલી રહેવાને કારણે થઇ હોવાનું તથા પ્લોટ ખાલી રહેતા લોકોને વધુ જગ્યા મળશે તેમ જણાવી મનપાના અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. પરંતુ ૪ પ્લોટ કયાં કારણોસર ખાલી રહ્યા તે એક અણઉકેલ કોયડાની સાથે તપાસની સાથે ચર્ચાનો વિષય બન્યો છે.