BREAKING NEWS

ખોડલધામના માર્ગદર્શનમાં તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ગુજરાતી મનોરંજન જગતનો પ્રથમ ભવ્ય બ્રોડવે શો

  • May 25, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતો એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને ઉજાગર કરતો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ બ્રોડવે મેગા સ્ટેજ શો ‘અસરદાર પાટીદાર’નો પ્રિમિયર શો છઠ્ઠી જૂને રાજકોટ ખાતે ભજવાશે.


ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ છે. જેમાં ગુજરાતના પ૦થી વધુ તેજસ્વી કલાકારો પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓને સ્ટેજ પર જીવંત કરશે.


એક પણ કાલ્પનિક વાતોનો આશરો લેવો ન પડે એ માટે છેલ્લા દોઢ વર્ષથી આ શો પર રીસર્ચ કામ ચાલતું હતું, જેમાં 3000થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ તરીકે શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની મુખ્ય સંકલન ટીમ કહે છે, એકે એક તથ્યનો આધાર લઈને અમે આ શો ડિઝાઈન કર્યો, શો ડિઝાઇન કરતી વખતે અમારા મનમાં ક્લીઅર હતું કે પાટીદાર સમાજને જેન-ઝી સુધી પહોંચાડવો અને તેમને સમાજના એ શૌર્ય અને પરંપરાની વાતો કહેવી જે ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગઈ છે.


ઐતિહાસિક તથ્યો અને અત્યાધુનિક LED ટેકનોલોજીના સમન્વય સાથે આ શો પ્રેક્ષકોને ૧૪મી સદીના અડાલજથી લઈ આજના આધુનિક ભારત સુધીની સફર કરાવશે તો સાથોસાથ ઓલ ઇન્ડિયા પરમિટ ધરાવતાં પાટીદારોના મૂળ અને કૂળ સુધી લઈ જવાનું કામ પણ કરશે અને પાટીદાર સમાજની નાનામાં નાની વાતો પણ સમાજ સમક્ષ મૂકશે.


‘અસરદાર પાટીદાર’ શોમાં પાટીદાર સમાજના પાળીયા તરીકે પૂજાતા શૂરવીરો, દેશ અને સમાજમાં શિરોમણી સમાન રાજા-રજવાડાંઓ, સમગ્ર વિશ્વને અધ્યાત્મનો નવો રાહ ચીંધનારા સાધુ-સંતો, દેશના સ્વતંત્ર-સંગ્રામમાં જીવ રેડનારા લડવૈયા, આદર્શ નારીઓ, ક્રાંતિકારી પાટીદાર આગેવાનો અને સમસ્ત સમાજને એક છત નીચે જોનારા સ્વપ્નદ્રષ્ટા એવા પાટીદારોની વાત કહેવામાં આવી છે.


યુરોપ અને અમેરિકામાં થતાં બ્રોડવે શોનો સ્ટડી કર્યા પછી તૈયાર થયેલા ‘અસરદાર પાટીદારના ક્રીએટિવ ડિરેક્ટર જીતુ બાંધણિયા કહે છે, સામાજિક સંદેશ અને સરદારની ગર્જના વ્યક્ત કરતાં ‘અસરદાર પાટીદાર શોમાં માત્ર ઈતિહાસ જ નહીં, પણ વર્તમાન સમયના સામાજિક મુદ્દાઓ અને સંસ્કાર સિંચન જેવા મહત્વના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો એવા પાટીદાર દેશની આર્થિક જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક કરોડરજ્જુ પણ છે એ પણ આ શો દ્વારા પૂરવાર થાય છે. પાટીદારના ભવ્ય અને ભાતિગળ ઇતિહાસને લોકો સમક્ષ મૂકવા માટે રેસ-અગેઈન્સ્ટ-ધી ટાઈમની ફોર્મ્યુલા પર માત્ર દોઢ મહિનામાં આખો શો તૈયાર કર્યો. લેખક રશ્મિન શાહ દ્વારા લખાયેલા આ શોના ગીતો પણ રશ્મિન શાહે જ લખ્યા છે, ડિરેકશન રંગભૂમિના જાણીતા ડિરેક્ટર પરમેશ્વર સિરસીકર કર્યુ છે, તો સમગ્ર શોને એક તાંતણે બાંધીને રજૂ કરવાની જવાબદારી જાણીતા લોકકલાકાર તેજસ પટેલે નિભાવી છે.


‘અસરદાર પાટીદાર એ ગુજરાતી રંગભૂમિને આંતરરાષ્ટ્રીય સ્તરના બ્રોડવે શોની હરોળમાં મૂકવાનો એક નમ્ર પ્રયાસ છે. રાજકોટમાં યોજનારો પ્રિમિયર શો જોવો જ નહીં, એનું નિમંત્રણ મળવું એ પણ ગૌરવ ગણાશે એ નિશ્ચિત છે.


શું કહે છે લોગો?

અસરદાર પાટીદારના લોગોના મૂખ્ય ભાગમાં ચક્ર છે, જે અંગૂલીનિર્દેશ કરે છે કે પાટીદારોએ બળદગાડાં થકી જીવનનો આરંભ કર્યો અને તેમના વિકાસનો રથ આજે પણ અવિરતપણે આગળ વધી રહ્યો છે. આ ચક્ર એટલે કે પૈડાંની અલગ-અલગ ધરી પર પાટીદાર સમાજને રીપ્રેઝન્ટ કરતાં જૂદા-જૂદા સિમ્બોલ મૂકવામાં આવ્યા છે. જેમાં બિલકુલ મધ્યમાં પાટીદાર પહેરવેશમાં સમાવિષ્ટ પાઘડી અને સાથે શૌર્ય દર્શાવતી વાંકડિયાળી મુંછ છે. એક ધરી પર ખેડૂતોની જીવાદોરી સમાન હળ છે તો ધર્મના પ્રતિક સમાન ઓમકારને પણ એક ધરી પર સમાવવામાં આવ્યો છે. પાટીદારોએ બિઝનેસમાં પણ જબરજસ્ત કાઠું કાઢ્યું અને વિકાસ કર્યો છે, જેને પણ એક ધરી પર દર્શાવવામાં આવ્યું છે તો આજે પણ ગૌમાતાને લખલૂટ પ્રેમ કરતાં, આદર આપતાં પાટીદારોની ગાયમાતાને પણ એક ધરી પર દર્શાવવામાં આવી છે. જ્યારે એક ધરી પર બહાદુરીમાં પણ ક્યાંય પાછળ નહીં હટનારા પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતી ઢાલ અને તલવાર પણ મૂકવામાં આવ્યા છે.



આજે જૂજ લોકો જાણે છે કે કાઠિયાવાડમાં પાટીદારોના પાળીયાઓ પણ છે. વીર પાટીદાર ભાઈઓએ ગૌધન અને સ્ત્રીધન માટે પોતાનો જીવ આપ્યો છે. જેના પાળીયા બન્યા એ વીર પાટીદારોની વાતો તો શોમાં છે પણ એ પાળીયાઓને પણ શોના સિમ્બોલમાં સમાવવામાં આવ્યા છે. કર્મનિષ્ઠ, ખંતિલા અને ગૌરવવંતા એવા પાટીદારના તમામ ગુણોને પણ લોગોમાં દર્શાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application