BREAKING NEWS

ક્લબ યુવીમાં ડ્રોન શો, લેસર શો અને ૪૫ મિનિટની આતશબાજી વચ્ચે આઠમની ભવ્ય મહાઆરતી, જુઓ દિવ્ય નજારાની તસવીરો

  • October 19, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ક્લબ યુવી દ્વારા તેની ૧૮ વર્ષની શાનદાર સફર નિમિત્તે નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે એક અલૌકિક અને વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ અને ૨૦ હજારથી વધુ પ્રેક્ષકોએ પોતાના હાથમાં મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને તથા દીવડાં પ્રગટાવીને જગદંબાની પરંપરાગત આરાધના કરી હતી. આ મહાઆરતીમાં આજકાલ સાંધ્ય દૈનિકના ચીફ ઈન એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી જોડાયા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. તેમજ વંશિકાબેન જેઠાણીએ મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.



હજારો ભાવિકોના મોબાઈલ ફ્લેશથી સમગ્ર ગ્રાઉન્ડમાં એક અદભુત અને મંત્રમુગ્ધ કરી દેનારો નજારો સર્જાયો હતો.


આ ભવ્ય ઉત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બનાવેલા વિશેષ મંદિરમાં માતાજીના નવ સ્વરૂપોની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશીથી ખાસ પધારેલા સાત પંડિતો દ્વારા શંખનાદ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આ મહાઆરતી કરવામાં આવી હતી. શંખનાદ અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર પરિસર દિવ્યતાથી ભરાઈ ગયું હતું અને હાજર રહેલા તમામ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા.


આ ઉજવણીમાં ભક્તિની સાથે આધુનિક ટેકનોલોજીનો સુંદર સંગમ પણ જોવા મળ્યો હતો. ડ્રોન શો દ્વારા આકાશમાં માં ઉમિયાની આકૃતિ અને જય મા ઉમિયા નામ કંડારવામાં આવ્યું હતું, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ઉપરાંત, આકાશમાં યોજાયેલા લેસર શો અને ૪૫ મિનિટ સુધી ચાલેલી મનોહર આતશબાજીએ સમગ્ર આકાશને રંગબેરંગી રોશનીથી ઝગમગાવી દીધું હતું.


ક્લબ યુવીની 18 વર્ષની સફર યાદગાર બની

ભક્તિ, રોશની અને આધુનિક શોના આ અદ્ભુત સંયોજને હાજર રહેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ક્લબ યુવીની ૧૮ વર્ષની સફરનો આ ઉત્સવ રાજકોટવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો.


સમાજ શ્રેષ્ઠીઓએ મહાઆરતી કરી ધન્યતા અનુભવી

મહાઆરતીમાં બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, પાણ હેલ્થના મનસુખભાઈ પાણ, ચિરાગભાઈ પાણ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, શિવલાલભાઈ આદરોજા, મોરબીના જેન્તીભાઈ, જગદીશભાઈ કોટડિયા, રાજકોટના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, મનસુખભાઈ ભીમાણી, રાજેશભાઈ વડાલિયા, કિરીટભાઈ આદરોજા સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.


10,000થી વધુ લોકોએ એકસાથે દીપ પ્રગટાવ્યા

ક્લબ યુવી રાસોત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આઠમના પવિત્ર દિવસે મહાઆરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજના 10,000થી વધુ લોકોએ એકસાથે દીપ પ્રગટાવી માતાજીની આરાધના કરી હતી. આરતી પૂર્ણ થતાં જ આકાશમાં આકર્ષક આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી ઉત્સવનો આનંદ બેવડાયો હતો.


મહાઆરતી બાદ ગરબાની ભવ્ય રમઝટ 

મહાઆરતી બાદ ગરબાની ભવ્ય રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાએ ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ટીટોડો, ટપો, ડાકલા, ટીમલી અને ફ્રી સ્ટાઈલ ગરબા રમીને મનોરંજન મેળવ્યું હતું. આ વર્ષે રાજકોટમાં વધેલા મંડળીના ક્રેઝને ધ્યાને રાખી આઠમની રાત્રે અહીં મંડળી ગરબાનું પણ ખાસ આયોજન કરાયું હતું.


ખ્યાતનામ કલાકારોના સુરીલા તાલે ખેલૈયા ઘૂમ્યા

જાણીતા ગાયક કલાકાર મયુર બુધ્ધદેવ અને માનસી પટેલ સહિતના કલાકારોના સુરીલા વૃંદ પર ખેલૈયાઓ મોડી રાત સુધી ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. કડવા પાટીદાર સમાજ માટેના આ કૌટુંબિક આયોજનમાં લોકોએ પરિવાર અને સગા-સંબંધિઓ સાથે મળીને આસો નવરાત્રીનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application