રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે એક મોટું અને ઐતિહાસિક ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણય મુજબ, આ વિસ્તારમાં આવેલા અંદાજે 1489 જેટલા કાચા-પાકા મકાનો અને દબાણોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન માટે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સંપૂર્ણ રીતે સજ્જ થઈ ચૂક્યો છે. જંગલેશ્વરની શેરીઓ અને ગલીઓમાં બુલડોઝર અને હિટાચીની ધણધણાટી થઈ રહી છે.
LIVE અપડેટ
- અધિકારીઓની દેખરેખમાં ડિમોલિશન, ફાયર ફાઈટર તહેનાત
-કંટ્રોલરૂમમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાનું નિરીક્ષણ
- 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી અને 260થી વધુ સાધનો કામે લાગ્યા
- CP બ્રજેશ કુમાર ઝાએ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કર્યું
- 60 વર્ષનો આશરો છીનવાતા વૃદ્ધાની આંખમાં આંસુ
- જંગલેશ્વરની શેરીઓ અને ગલીઓમાં પોલીસ કાફલો અને પેરા મિલીટ્રી ફોર્સનો જડબેસલાક બંદોબસ્ત
- જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 7 વાગ્યાથી ડિમોલિશન શરૂ
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને હિટાચીના કાફલાએ મકાનો તોડવાનું શરૂ કર્યું
- CP બ્રજેશ કુમાર ઝા જંગલેશ્વર પહોંચ્યા
શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન ચાલી રહ્યું છે: ડીસીપી ઝોન-1
રાજકોટ શહેર ડીસીપી ઝોન-1 હેતલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના આજી નદી કાંઠા વિસ્તારમાં આજે સવારથી ડિમોલિશન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે નહિં તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તમામ સાત ઝોનમાં મુકવામાં આવ્યો છે. બે દિવસની અંદર લોકો સ્વૈચ્છિક પોતાની જાતે દબાણો દૂર કરવા સહકાર આપી મકાન ખાલી કરી રહ્યા છે. અને આજે સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં ડિમોલિશન પ્રક્રિયા ચાલુ છે. સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ પણ થઇ રહ્યું છે અને જે લોકો શાંતિ ડહોળવા પ્રયાસ કરે તેવું લાગતું હતું તેવા શંકાસ્પદ લોકોને ગઈકાલે રાત્રે ડિટેઇન કરવામાં આવ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તંત્રની સજ્જ
આટલી મોટી સંખ્યામાં મકાનો તોડવાના હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જંગલેશ્વર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરો અને જેસીબી મશીનોનો કાફલો અસરગ્રસ્ત વિસ્તાર તરફ રવાના થઈ ગયો છે. ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
DCP ક્રાઈમ જગદીશ બાંગરવાની અપીલ
આ ઐતિહાસિક ડિમોલિશન અંગે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ માધ્યમોને જણાવ્યું હતું કે, "તંત્ર દ્વારા આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમે પૂરતો પોલીસ કાફલો તૈનાત કર્યો છે." વધુમાં તેમણે શહેરીજનોને અપીલ કરતા કહ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા તંત્રને સહકાર આપવો. સોશિયલ મીડિયા પર આવતા ભ્રામક મેસેજથી દૂર રહેવું.
મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામેના કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમોની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
લોકોમાં મિશ્ર પ્રતિસાદ
વર્ષો જૂના રહેણાંક મકાનો પર બુલડોઝર ફરવાનું હોવાથી સ્થાનિક રહીશોમાં ચિંતા અને ક્યાંક રોષની લાગણી પણ જોવા મળી રહી છે. જોકે, તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કામગીરી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અને વિસ્તારના આયોજન માટે અત્યંત જરૂરી છે. અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કે નોટિસ અંગેની પ્રક્રિયા અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ ઓપરેશન રાજકોટના ઈતિહાસના સૌથી મોટા ડિમોલિશન પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર શહેરના માળખાગત વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા પર પડશે.