રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનની સમીક્ષા માટે રાજકોટ આવેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યો સાથે યોજેલી મિટિંગ દરમિયાન રાજકોટ શહેરના કોઇ કામ રાજ્ય સરકાર સ્તરે પેન્ડિંગ હોય તો જણાવવા અનુરોધ કર્યો હતો. દરમિયાન પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ એરપોર્ટ રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં અશાંતધારો રિન્યુ કરવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય ડો.દર્શિતા શાહે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી અશાંતધારાની મુદ્ત લંબાવવા માંગણી કરી રહ્યા છે, થોડા સમય પૂર્વે તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની મિટિંગમાં પણ રજૂઆત કરી હતી તેમજ ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરી હતી પરંતુ અશાંતધારો રિન્યુ કરવા આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરાઈ ન હોય હવે વ્હેલી તકે અશાંતધારો રિન્યુ કરવા માંગ છે. રજૂઆતના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રીએ ત્વરિત યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.
પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ આ અંગે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૨૧માં રૈયા રોડ અને એરપોર્ટ રોડ સહિતના વોર્ડ નં.૨ના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનું નોટિફિકેશન પ્રસિધ્ધ થયું હતું, જેની મુદ્દત આગામી તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પૂર્ણ થાય છે આથી મુદ્ત પૂર્ણ થતા પૂર્વે રિન્યુ કરવા તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સમક્ષ રજુઆત કરી હતી જે અન્વયે તાકીદે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી તેમણે ખાતરી આપી હતી.