હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં કારતક સુદ પડવો એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિવસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે દેશભરના મંદિરોમાં અન્નકૂટ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અન્નકૂટ એટલે ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓ, મિષ્ટાન્ન, ફળફળાદિ અને અનેક ખાદ્ય સામગ્રીનો ભવ્ય થાળ ધરાવવાની પરંપરા. આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ પ્રકૃતિ, અન્ન અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પણ એક માધ્યમ છે.
અન્નકૂટ ઉત્સવની પ્રેરણા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. પૌરાણિક માન્યતા અનુસાર, પ્રાચીન સમયમાં ગોકુળમાં વર્ષાઋતુ દરમિયાન સારો વરસાદ થાય અને ખેતરોમાં પાક તૈયાર થઈને ઘરમાં અનાજના ભંડાર ભરાય ત્યારે કારતક માસના પ્રથમ દિવસે વર્ષાના દેવ ઇન્દ્રની પૂજા કરીને તેમને નૈવેદ્ય ધરાવવાની પરંપરા હતી. જોકે, ભગવાન શ્રીકૃષ્ણને આ પરંપરા યોગ્ય લાગી નહોતી. તેમણે ગોકુળવાસીઓને સમજાવ્યું કે જીવનનિર્વાહ માટે ગોવર્ધન પર્વત, ગાયો, પ્રકૃતિ અને ખેતીનું વિશેષ મહત્ત્વ છે. તેથી તેમની પૂજા અને આભાર વ્યક્ત કરવો જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણની સમજાવટથી ગોકુળવાસીઓએ ઇન્દ્રપૂજાને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ વિવિધ મિષ્ટાન્ન, શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો તૈયાર કરીને તેના મોટા ઢગલા કરવામાં આવ્યા અને ગોવર્ધન પર્વતને અર્પણ કરવામાં આવ્યા. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતમાં પ્રગટ થઈને આ અન્નકૂટનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગથી અન્નકૂટ ઉત્સવની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે.
સમય જતાં આ પરંપરા ભારતીય સંસ્કૃતિ અને ભક્તિભાવનું અભિન્ન અંગ બની ગઈ છે. આજે સમગ્ર વિશ્વમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરો, શ્રી સ્વામિનારાયણ મંદિરો, હવેલીઓ અને જગન્નાથજી મંદિરો સહિત અનેક ધાર્મિક સ્થળોએ અન્નકૂટનું આયોજન થાય છે. ભગવાન સમક્ષ હજારો પ્રકારની વાનગીઓનો કલાત્મક રીતે અન્નકૂટ રચવામાં આવે છે. વિવિધ રંગો, આકારો અને વાનગીઓથી સજાવેલો અન્નકૂટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ ગોવર્ધન પૂજાથી શરૂ થયેલી આ ભક્તિ પરંપરાને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. તેમણે ધર્મ સહિત ભક્તિનો સંદેશ આપીને અન્નકૂટ ઉત્સવની પરંપરાને નવી દિશા આપી હતી. આજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોમાં આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આમ, અન્નકૂટ ઉત્સવ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ, અન્ન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ભક્તિ પરંપરાનું જીવંત પ્રતીક બની રહ્યો છે.