BREAKING NEWS

અશાંતિની આગમાં દાઝતા વિશ્વને 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'માં મળશે શાંતિઃ મોદી

  • March 31, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને તેમના પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબા તીર્થ ખાતે મહાવીર જયંતીના પવિત્ર અવસરે નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના લોકાર્પણ સાથે કરી હતી. બાદમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં  શાંતિ મળશે. બાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી ગુજરાતને 19,806.9 કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે


કોબા તીર્થ ખાતે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત અત્યંત ભાવુક રીતે ‘જય જિનેન્દ્ર’ના જયઘોષ સાથે કરી હતી. તેમણે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું, જેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ, સંસ્કારને સંબલ અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી જ ભારતીય સભ્યતાનો સાચો આધાર છે.


વડાપ્રધાને ઇતિહાસના પાનાઓ ટાંકીને સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, દુનિયામાં અનેક શાસકો થયા જેમણે સત્તા માટે આદર્શોને નેવે મૂક્યા, પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને ભોગનું સાધન નહીં પણ સેવા અને સાધના તરીકે જોયું હતું. તેમણે અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કરીને ભારતીય દર્શનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનભરનું સમર્પણ રહેલું છે.


વધુમાં જણાવ્યું હતું કે, આચાર્યએ છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળની અંદાજે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ પદયાત્રા દરમિયાન તેમણે એકત્ર કરેલા અતિ દુર્લભ સાંસ્કૃતિક અવશેષો, પ્રાચીન હસ્તપ્રતો અને ઐતિહાસિક પુરાવાઓને આ મ્યુઝિયમમાં આધુનિક ટેકનોલોજીની મદદથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે, હું નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીના કાર્યક્રમમાં સામેલ થયો હતો. જેમાં ચારેય ફીરકાઓ આવ્યા હતા. જેમાં મેં 9 સંકલ્પની વાત કરી હતી. આ સંકલ્પોમાં પાણી બચાવવું, એક પેડ માકે નામ, સ્વચ્છતા મિશન, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, નેચરલ ફાર્મિંગ અપનાવવું, હેલ્ધી લાઇફ સ્ટાઇલ અપનાવવી, યોગ અને ખેલને જીવનમાં લાવવા અને 9મો સંકલ્પ ગરીબોની સહાયતાનો સંકલ્પ. 10મો સંકલ્પ ભારતની વિરાસતનું સંકલ્પ. આપણે મોટા સંકલ્પોને પૂરા કરવાના છે. મને વિશ્વાસ છે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ આ દિશમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જ્ઞાન અને સાધનાનું એવું કેન્દ્ર બનશે જેનાથી નવી પેઢીને પ્રેરણા મળશે. હું આ કામ માટે ફરીવાર અભિનંદન આપું છું.


વડાપ્રધાને આગળ ઉમેર્યું હતું કે, સમ્રાટ સંપ્રતિ એક એવો સેતુ છે જે ભારતના દર્શન અને વ્યવહારને જોડે છે. જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરીએ છીએ ત્યારે જોઇએ છીએ દુનિયમાં અનેક દાર્શનિકોએ જન્મ લીધો. માનવતાના આદર્શો પણ ઘડવામાં આવ્યા. પરંતુ સવાલ સત્તા અને શક્તિનો આવ્યો ત્યારે ઘણાં શાસકોએ આદર્શો અને મૂલ્યોને બાજુ પર મૂકી દીધા. આ વિચાર વ્યવસ્થામાં એક ખાઈ થતી ગઈ. પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને સેવા અને સાધના તરીકે કામ કર્યું. અહીંસાનો વિસ્તાર કર્યો. તેમણે સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કર્યો છે.


મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ ભવ્ય ગેલેરીઓ બનાવવામાં આવી છે. અહીં પથ્થર અને ધાતુના શિલ્પો, ચાંદીના રથ અને પ્રાચીન સિક્કાઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમ આગામી 23મી એપ્રિલથી સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે દેશ-વિદેશના સંશોધકો અને પ્રવાસીઓ માટે જૈન ધર્મના ઉત્ક્રાંતિને સમજવાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.


કોબામાં આધ્યાત્મિક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (ઓએસએટી) પ્લાન્ટ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ ગુજરાત અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ દસ લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ ચાર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-પીએસએમસી પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે.


પરિવહન ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ સમાન 109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે'નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર માત્ર એક કલાક 45 મિનિટમાં કાપી શકાશે. પ્રવાસના અંતિમ તબક્કે વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ વિકાસકાર્યોની કુલ કિંમત 19,806.9 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.


જૂની સરકારોએ પાંડુલિપિઓની ઉપેક્ષા કરી: મોદી

મોદીએ કોબા તીર્થમાં જણાવ્યું હતું કે, જૂની સરકારોએ પાંડુલિપિઓની જે ઉપેક્ષા કરી ભૂલ કરી હતી તેને અમે સુધારીએ છીએ. અમે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે. આ કામમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ મિશન હેઠળ પ્રાચીન પાંડુલિપિઓનું સંરક્ષણ કરીએ છીએ. આ રવિવારે મન કી બાતમાં ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં એક સર્વે કરવામાં આવ્યો છે. દેશભરમાંથી લોકો પાંડુલિપિઓને ઓનલાઇન અપલોડ કરી રહ્યા છે.​​​​​​​


મત, ધર્મ અને આસ્થાના નામે દુનિયાએ ટકરાવ જોયો છે

વડાપ્રધાને જણાવ્યું કે, જે જ્ઞાન મળે એ સમ્યક હોય, સમ્યક હોય તો સમતા અને સેવાનો આધાર હોય છે. આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી વિશિષ્ટતાના દર્શન થાય છે. ભારતની વિવિધતા અને એકતા તાકાત છે. મત, ધર્મ અને આસ્થાના નામે દુનિયાએ ટકરાવ જોયો છે. વેદ, પૂરાણ, આયુર્વેદ, યોગ વિવિધ પરંપરાનો રંગ એક સાથે ઇન્દ્રધનુષની જેમ ઉપસ્થિત હોય એ ભારતમાં જ શક્ય બને.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News