હાલારમાં હનુમાનજીના જન્મોત્સવને વધાવવા ભકતોમાં ભારે થનગનાટ

  • April 23, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભળીયામાં વિશ્ર્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન: બાલા હનુમાન મંદિરમાં સાંજે વિશિષ્ટ આરતી: બેટ દાંડી હનુમાન, ચૈતન્ય હનુમાન, પાતડીયા હનુમાન, કુન્નડ અને ખીરીના હનુમાન, રોકડીયા અને ખોજા બેરાજાના ફુલીયા હનુમાન મંદિરોમાં મહાઆરતી, બટુક ભોજન, સુંદરકાંડ, રામધૂન સહિતના પાઠનું આયોજન

જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે રામભકત હનુમાનજીની જન્મ જયંતિની વિશિષ્ટભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ઠેર-ઠેર હનુમાન યાગ, શોભાયાત્રા, બટુક ભોજન, સંતવાણી, સુંદરકાંડ પાઠ, મહાઆરતી, હનુમાનજીને વિશિષ્ટ શણગાર, અન્નકુટ દર્શન, મહાપ્રસાદ અને રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ હનુમાન મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી છે અને ભકતોએ જય હનુમાનના નારા લગાવ્યા હતાં.
જામનગરમાં 60 વર્ષથી જયાં અખંડ રામધૂન ચાલે છે તે બાલા હનુમાન મંદિરમાં પણ નૂતન ઘ્વજા રોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, સવારે 6:30 વાગ્‌યે વિશિષ્ટ આરતી થઇ હતી, ત્યારબાદ સાંજે પ્રસાદનું આયોજન કરાયું છે અને 7:30 વાગ્‌યે મહાઆરતી યોજવામાં આવી છે.

આ ઉપરાંત ઠેર-ઠેર ઘ્વજારોહણ, દ્રાભિષેક, રામ કિર્તન, બટુક ભોજન, વિશિષ્ટ આરતી, સુંદર કાંડ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

ઓખા-બેટથી જોડીયા,જામ કલ્યાણપુરથી જામજોધપુર સુધી અનેક હનુમાનજી મંદિરોમાં અનેકાનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું છે.

ખંભાળીયામાં આજે હનુમાન જયંતિ નિમિતે વિ.હી.પ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, નગરગેઇટ પાસેના રામ મંદિરેથી આરતી કરીને આ શોભાયાત્રા નિકળી હતી જે નગરગેઇટ, જોધપુર ગેઇટ, શારદા સીનેમા રોડ, રોકડીયા હનુમાન મંદિર પાસે પુરી થઇ હતી જેમાં અસંખ્ય ભાવિકો જોડાયા હતાં, અત્યંત પ્રાચીન એવા ફુલેલીયા હનુમાન મંદિરે હનુમંત પાગનું આયોજન કરવામાં આવ્યું છે, સવારે 9 વાગ્‌યાથી બપોરના 2 વાગ્યા સુધી આ પાઠ યોજાયા હતાં, સાંજે 5 વાગ્યે મહાપ્રસાદ અને વિશીષ્ટ દર્શનનું આયોજન કરાયું છે.

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રી રામ જય રામ જય જય જય ની આલેખ જગાવનાર પરમ પૂજય બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની તપોભૂમિ બેટ દ્વારકા ખાતે બિરાજમાન મકરધ્વજી મહારાજ-હનુમાનજી મહારાજ વિશ્વમાં એક માત્ર સ્થળે પિતા-પુત્ર બિરાજમાન છે ત્યાં સવારે 6.4પ વાગ્યે આરતીનું આયોજન કરાયું હતું, 10 વાગ્યે ઘ્વજારોહણ, 11 વાગ્યે અન્નકુટ, બપોરે 1ર વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો.

જામનગરના લીમડાલાઈન વિસ્તારના આસ્થા સમાન 54 વર્ષ જુના લીંબડીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે ધર્મપ્રેમીઓ અને વેપારી એસો. દ્વારા પવનપુત્રના જન્મોત્વસ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સવારે મારૂતી યજ્ઞ સવારે 8 થી 1 યોજાયો હતો, સાંજે 5 થી 7 સત્યનારાયણ ભગવાનની કથા, 5 થી 10 અન્નકોટ, સાંજે 8 વાગ્યે મહાઆરતી, રાત્રે 9 વાગ્યે બટુક ભોજન તેમજ રાત્રે 9-30 વાગ્યે આમંત્રીત વેપારી મીત્રોને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, કિશાનચોક પાસે આવેલ ફુલીયા હનુમાનજી મંદિર, આર્યસમાજ સામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર, બાલા હનુમાન, વામન બાલા હનુમાન, કરોડોપતિ હનુમાન, પાતળીયા હનુમાન, ચોબરીયા હનુમાન, રોકડીયા હનુમાન, દાંડીયા હનુમાન, સૂર્યમુખી હનુમાન, કષ્ટભંજન હનુમાન, હઠીલા હનુમાનજી સહિતના મંદિરોમાં રામદૂત હનુમાનજીના જન્મોત્સવને વધામણાં કરવા સુંદરકાંડ, બટુક ભોજન, રામધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીની પાવન તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તેમજ પ્રાત: સ્મરણીય 1008 સદગુદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલિન મહંતશ્રી ભોલેદાસજીબાપુની તપોભૂમીમાં આજે શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ સવારે 7 : 00 વાગ્યે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન અર્ચનવિધી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સવારે 8 થી  12 પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞનો હોમાત્મક યજ્ઞ યોજાયો હતો, ત્યારબાદ બપોરે 12 : 00 ક્લાકે ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સવારે 8 થી 12 બાળકોનું બટુકભોજન યોજાયું હતું.
બાલાચડી પાસે આવેલ ખીરી હનુમાન, કુન્નડ ખાતે આવેલ કુનડીયા હનુમાન તેમજ લતીપર અને હરિપરની સીમમાં બિરાજમાન ગોરડીયા હનુમાનજી મહારાજના મંદિરે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application