રાજકોટ મહાપાલિકાનો વોર્ડ નં.૮ કે જેમાં મહત્તમ સવર્ણ મતદારો સાથેનો પોશ રહેણાંક વિસ્તાર સમાવિષ્ટ છે. આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં મોટા પરિવર્તન સાથે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. અલબત્ત આ વખતે અનામતના રોસ્ટર અનુસાર આ વોર્ડમાં એક બેઠક પછાત વર્ગ પુરુષ અનામત આવતા ભાજપના બે પુરુષ કોર્પોરેટરમાંથી એકની ટિકિટ કપાશે તે હાલથી જ સુનિશ્ચિત છે. જ્યારે બે મહિલા કોર્પોરેટરની બેઠક સામાન્ય મહિલા માટેની યથાવત રહી હોય બન્ને મહિલા કોર્પોરેટર ચૂંટણી લડી શકે તેમ છે.
વોર્ડ નં.૮માં ગત ટર્મના ભાજપના ચાર કોર્પોરેટરમાંથી સીએસ પ્રીતિબેન દોશી કદાચ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી ચર્ચા છે, કંપની સેક્રેટરી તરીકે તેમની ધીકતી પ્રેક્ટિસ હોય તેઓ સમય ફાળવી નહીં શકતા હોવાનો પ્રશ્ન છે તેવું તેમણે પક્ષના વર્તુળો સમક્ષ ઔપચારિક ચર્ચા દરમિયાન અનેક વખત જાહેર કર્યું હોવાની ચર્ચા છે. આથી જો પક્ષ તેમની વાત સ્વીકારે તો આગામી ચૂંટણીમાં તેમના સ્થાને અન્ય મહિલા ઉમેદવાર આવી શકે. આ વોર્ડમાં કિરણબેન માંકડિયા સહિત અનેક દાવેદારો છે.
જ્યારે ડો.દર્શનાબેન અતુલભાઇ પંડ્યા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમની તબીબી પ્રેક્ટિસ વચ્ચે પણ સતત સક્રિય રહ્યા છે અને આગામી ચૂંટણી લડવા પણ ઇચ્છુક હોવાનું જાણવા મળે છે, પક્ષ તેમને રિપિટ ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા હોવાની ચર્ચા છે. છેલ્લા ઘણા વર્ષોથી સોશ્યલ એન્જિનિયરિંગના સમીકરણ મુજબ આ વોર્ડમાં એક ટિકિટ બ્રહ્મ સમાજના ઉમેદવારને અપાતી આવી છે તે સર્વવિદિત છે.
આ ઉપરાંત આ વોર્ડમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદારની વિશાળ વસ્તી હોય બંને સમાજના એક-એક ઉમેદવારને ટિકિટ અપાય છે જે મુજબ ગત ચૂંટણીમાં લેઉવા પાટીદાર સમાજમાંથી અશ્વિનભાઇ પાંભર અને કડવા પાટીદાર સમાજમાંથી બીપીનભાઇ બેરા ને ટિકિટ અપાઇ હતી. જ્યારે આ વખતે અનામત રોસ્ટર અનુસાર આ વોર્ડમાં બે સામાન્ય મહિલા, એક પછાત વર્ગ પુરુષ અને એક સામાન્ય પુરુષ તે મુજબ ચાર બેઠક છે. આથી આ બન્નેમાંથી કોઇ એક જ પુરુષ ઉમેદવાર લડી શકે અથવા તો બન્ને ઉમેદવાર બદલાય તેવું બની શકે છે. જો કડવા પટેલ સમાજમાંથી મહિલા ઉમેદવારને ટિકિટ અપાય તો લેઉવા પટેલ સમાજમાંથી પુરુષ કોર્પોરેટર લડી શકે ! એકંદરે આ વોર્ડમાં ભાજપ બે ઉમેદવારો બદલાવે તેવી સંભાવના છે.
ભાજપ પાસે ઉમેદવારોની વિશાળ રેન્જ છે પરંતુ કોંગ્રેસને આ વોર્ડમાં ઉમેદવારો શોધવા ભારે મહેનત કરવી પડી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તેના પ્રદેશ નેતા શિવલાલ બારસીયા અને રાજકોટ શહેર અધ્યક્ષ દિનેશ જોષીના નામની આ વોર્ડના ઉમેદવાર તરીકે આજે જ ઘોષણા કરી છે, જો કે બે મહિલા ઉમેદવાર અંગે આપએ સસ્પેન્સ રાખ્યું છે.
વોર્ડ નં.૮માં સમાવિષ્ટ રહેણાંક સોસાયટીઓ
૧.સૂર્યોદય સોસાયટી
૨.ગુલાબ વાટિકા
૩.ગુલાબ વિહાર
૪.નાલંદા સોસાયટી
૫.ટાગોર નગર
૬.આમ્રકુંજ
૭.વિદ્યાકુંજ
૮.અર્જુન પાર્ક
૯.કરણ પાર્ક
૧૦.જય પાર્ક
૧૧.સિલ્વર સ્ટોન
૧૨.સિલ્વર સેન્ડ
૧૩.રાજ રેસીડેન્સી
૧૪.નૂતન નગર
૧૫.હરિહર સોસાયટી
૧૬.કોટેચા નગર
૧૭.વિદ્યુતનગર
૧૮.એસ્ટ્રોન સોસાયટી
૧૯.પંચવટી સોસાયટી
૨૦.સિલ્વર પાર્ક
વોર્ડ નં.૮માં સમાવિષ્ટ શહેરના મુખ્ય માર્ગો
૧.કાલાવડ રોડ
૨.અમિન માર્ગ
૩.જાનકી પાર્ક મેઇન રોડ
૪.જયમલ પરમાર માર્ગ
૫.સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ
૬.હાઉસિંગ બોર્ડ રોડ
૭.અક્ષર માર્ગ
૮.નાના મવા રોડ (પાર્ટ)
૯.૧૫૦ ફૂટ રિંગ રોડ (પાર્ટ)
૧૦.સત્ય સાંઇ માર્ગ (પાર્ટ)
૧૧.નિર્મલા કોન્વેન્ટ રોડ (પાર્ટ)
૧૨.રૈયા રોડ (પાર્ટ)
૧૩.લક્ષ્મીનગર રોડ
૧૪.રાજનગર મેઇન રોડ (પાર્ટ)
૧૫.પંચવટી મેઇન રોડ
૧૬.વિદ્યુતનગર મેઇન રોડ
૧૭.કોટેચાનગર મેઇન રોડ
૧૮.વિદ્યાકુંજ મેઇન રોડ