પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર પોરબંદરના દરિયાકિનારે વોટરસ્પોર્ટસની એકટીવીટી શ કરવા ગંભીર બન્યુ છે અને તાજેતરમાંજ ગોવાની એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજીને તે અંગેની પ્રપોઝલની તૈયારીઓ ચાલી રહી છે જેમાં પોરબંદરના રતનપર બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ રમણીય બીચને બીચ ટુરીઝમ તરીકે વિકસાવવા માટે તંત્ર કટિબધ્ધ બન્યુ છે પરંતુ એજ જગ્યાએ ઘણા લાંબા સમયથી રેતી ચોરી થઇ રહી છે છતાં તેને અટકાવવામાં એકપણ તંત્ર સક્રિય બન્યુ નથી. તે શરમજનક છે. તેમ જણાવીને પોરબંદરના જાગૃત નાગરિકોએ ખાણખનીજ ખાતના ભ્રષ્ટ અધિકારીઓ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરીને સમયસર જાગી જવા માટે આહવાન કર્યુ છે.
પોરબંદરના રતનપરના દરિયાકિનારે બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શ કરવા માટે મહાનગરપાલિકાએ ગોવાની એજન્સીના માધ્યમથી સર્વે હાથ ધર્યો છે પરંતુ બીજી બાજુ આ બીચ ઉપર મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી છે, છતાં ફૂટી ગયેલા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્ર સહિત મહાનગરપાલિકાનું તંત્ર પણ મૌન છે. ખાણ ખનીજ ખાતું મોટી મલાઈ મળે ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે જતું હોય ત્યારે અગાઉથી જ માહિતી લીક કરી દે છે પરંતુ અહીંયા સ્વાભાવિક રીતે જ બળદગાડા અને રીક્ષા સહિત નાના વાહનો મારફતે રેતી ચોરી થતી હોય છે જેથી કશું મળવાનું નથી તેમ માનીને ખાણ ખનીજ ખાતુ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે. તો બીજી બાજુ મહાનગરપાલિકાનું તંત્ર પણ તેમની હદમાં થતી રેતી ચોરી અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. અહીંયા બીચ જ નહીં બચે તો બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કઈ રીતે વિકસાવી શકાશે? તેવા સવાલ સાથે અહીંયા દેખાતા ૧૦૦ થી ૧૫૦ ફૂટ પહોળા અને ૧૫ થી ૨૦ ફૂટ ઊંડા ખાડા સ્પષ્ટ કરી રહ્યા છે કે પોરબંદરના તમામ તંત્રો પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે રેતી ચોરી અટકાવવા માટે તંત્રએ ગંભીર બનીને ભ્રષ્ટાચાર મુક્ત કાર્યવાહી કરવી જરી બની છે.
પોરબંદરના રતનપર દરિયાકિનારે હાલમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ પોરબંદર મહાનગરપાલિકા અહીં બીચ સ્પોર્ટ્સ વિકસાવવા માટે મોટા સપના બતાવી રહી છે, તો બીજી તરફ આ જ બીચનું અસ્તિત્વ રેતી ચોરીને કારણે જોખમમાં મુકાયું છે. બીચ સ્પોર્ટ્સની વાતો કરનારાઓ પહેલા રેતી ચોરીની રમત તો અટકાવો એવી લોકલાગણી અને પ્રબળ માંગ હાલ ઉઠી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહાનગરપાલિકા દ્વારા રતનપર બીચ પર બીચ સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ શ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે ગોવાની એક એજન્સીના માધ્યમથી સર્વે પણ કરાવવામાં આવ્યો છે. વિકાસના કામો આવકારદાયક છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વિકાસ જ્યાં કરવાનો છે તે જમીન જ સુરક્ષિત નથી.
બીચ સ્પોર્ટ્સના પકડા આયોજનોની બીજી બાજુ, આ બીચ પર ખુલ્લેઆમ અને મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી છે.
દિવસ-રાત અહીંથી કુદરતી સંપત્તિ લૂંટાઈ રહી છે, છતાં જવાબદાર તંત્રોના પેટનું પાણી પણ હલતું નથી. આ ગંભીર કૃત્યમાં ખાણ ખનીજ ખાતું, પોલીસ તંત્ર અને ખુદ મહાનગરપાલિકાનું તંત્ર પણ શંકાસ્પદ મૌન સેવી રહ્યું છે.
ખાણ ખનીજ ખાતાની કામગીરી પર સૌથી મોટા સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે એવું ચર્ચાઈ રહ્યું છે કે, ખાણ ખનીજ ખાતું ત્યાં જ રેડ પાડે છે જ્યાંથી તેમને મોટી મલાઈ મળવાની શક્યતા હોય. જ્યાં ખરેખર મોટી ખનીજ ચોરી અટકાવવા જવાનું હોય, ત્યાં ઘણીવાર અગાઉથી જ માહિતી લીક થઈ જતી હોવાના આક્ષેપો પણ ભૂતકાળમાં ઉઠ્યા છે.
રતનપર બીચ પર બળદગાડા, રીક્ષા અને ટ્રેક્ટર જેવા નાના વાહનો મારફતે સતત રેતી ચોરી થતી હોય છે. અહીં ખાણ ખનીજ ખાતાને કદાચ મોટો વહીવટ દેખાતો નથી, તેથી તેઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. જે રીતે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અંધ હતા, તેમ અહીંનું તંત્ર પણ રેતી ચોરી બાબતે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ રેતી ચોરી કોઈ નાની-સુની નથી. સ્થળ પરની સ્થિતિ ભયજનક છે. અહીં રેતી માફિયાઓ દ્વારા ખોદકામ કરીને ૧૦૦ થી ૧૫૦ ફૂટ પહોળા અને ૧૫ થી ૨૦ ફૂટ ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે.
આ આંકડાઓ જ સ્પષ્ટ કરે છે કે ચોરી કેટલા મોટા પાયે અને કેટલા લાંબા સમયથી ચાલી રહી છે, જે તંત્રની નજરે ન ચડે તે માનવું અશક્ય છે.
મહાનગરપાલિકાનું તંત્ર, જે આ વિસ્તારમાં બીચ સ્પોર્ટ્સના સપના જુએ છે, તે પોતાની હદમાં થતી આ ચોરી અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જો પાલિકા પોતાની જમીન અને કુદરતી સંપત્તિનું રક્ષણ ન કરી શકતી હોય, તો ત્યાં પ્રવાસન કે રમત-ગમતના પ્રોજેક્ટ્સ કઈ રીતે સફળ થશે? તે એક મોટો પ્રશ્ર્ન છે.
અહીં સૌથી મોટો અને પાયાનો સવાલ એ થાય છે કે, જો રેતી ચોરીને કારણે બીચ જ નહીં બચે, તો બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ ક્યાં કરશો? ખાડા ટેકરા વાળી જમીન પર કઈ રમતો રમાશે? તંત્રની નિષ્ક્રિયતાને કારણે પોરબંદરનો એક સુંદર કિનારો વિનાશના આરે આવીને ઉભો છે.
અંતમાં, પોરબંદરના તમામ જવાબદાર તંત્રો પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે તે સ્પષ્ટ દેખાય છે. પ્રજાની માંગ છે કે તંત્ર હવે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે, ભ્રષ્ટાચાર મુક્ત બને અને ગંભીર બનીને રેતી ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરે. માત્ર વાતો અને સર્વે કરવાથી વિકાસ નથી થતો, તે માટે સંપત્તિનું જતન કરવું પણ એટલું જ જરી છે.