BREAKING NEWS

2008ને ભુલશો નહીં....ગુજરાતની જેલો, કલેક્ટર કચેરીઓ, ડીજીપી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ

  • November 03, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની ડીજીપી ઓફિસ ગાંધીનગરને બોમ્બનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં ૨૦૦૮ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ લખીને સરકારી કચેરીઓ, જેલો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેઇલમાં ગાંધીનગર સ્થિત ડીજીપી ઓફિસ, વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ, રાજ્યની મુખ્ય જેલો અને એક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો હતો.

આ ધમકીભર્યો ઇ-મેઇલ ખાલિસ્તાનના નામે કોઈ અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઇ-મેઇલમાં 'પાકિસ્તાન જિંદાબાદ' અને 'ખાલિસ્તાન જિંદાબાદ' ની સાથે 'અલ્લાહુ અકબર' જેવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઇ-મેઇલ મળતા જ રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર તુરંત જ એક્શનમાં આવી ગયું હતું. અમદાવાદની હાઈ-સિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત વડોદરા અને રાજકોટ મધ્યસ્થ જેલો તેમજ વિવિધ જિલ્લાઓની સરકારી કચેરીઓમાં તાબડતોબ ચેકિંગ અભિયાન અને સુરક્ષા સમીક્ષા શરૂ કરી દેવામાં આવી હતી.

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ૨૦૦૮ના અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ સહિતના હાઈ-પ્રોફાઈલ આતંકીઓ કેદ છે, જેના કારણે અહીં સિક્યોરિટી અત્યંત કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા મધ્યસ્થ જેલમાં રાવપુરા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસ અર્થે પહોંચી હતી, જ્યાં જેલ સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ ડોગ સ્ક્વોડની મદદથી ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, મહેસાણા સ્થિત કલેક્ટર કચેરી ખાતે પોલીસ તંત્ર દ્વારા અચાનક પહોંચીને આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો કલેક્ટર કચેરી પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો. આકસ્મિક તપાસ અને સુરક્ષા ખાતરી પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને કચેરીનું રોજિંદુ કામકાજ પુનઃ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ પોલીસ કાફલાએ તપાસ શરૂ કરી હતી. બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસ ટીમોએ કચેરીમાં પ્રવેશ કરતા સામાન્ય નાગરિકોનો પ્રવેશ અસ્થાયી ધોરણે અટકાવી દેવાયો હતો. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં એક ધમકીભર્યો મેસેજ મળવાને કારણે કલેક્ટર કચેરી, ડીજીપી કચેરી, જેલ તેમજ મંદિર ખાતે આ પ્રકારનું કડક ચેકિંગ હાથ ધરાયું હતું. કલેક્ટર કચેરીમાં સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ નાગરિકો માટે પ્રવેશ ફરી આપવામાં આવ્યો હતો. 

સાયબર ક્રાઈમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો આ ધમકીભર્યો ઇ-મેઇલ ક્યાંથી અને કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે તે શોધવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે. રાજ્યના તમામ મહત્વના ધાર્મિક સ્થળો અને સરકારી ભવનોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application