BREAKING NEWS

ઇથોપીયામાં કિડનેપર્સની ચુંગાલમાંથી ત્રણ ગુજરાતી મુક્તઃ હેમખેમ ભારત આવી પહોંચ્યા, ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા

  • October 01, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાયેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણેય વ્યક્તિ ઇથોપિયાથી સહીસલામત ભારત પરત ફર્યા છે. ઇથોપિયામાં એજન્ટો દ્વારા આ લોકોને બંધક બનાવીને તેમના પરિવારજનો પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, વિદેશ મંત્રાલય અને સ્થાનિક પોલીસની વાતચીતના કારણે એક પણ રૂપિયો આપ્યા વગર અપહરણકારોના કબજામાંથી ત્રણેયને મુક્ત કરાવવામાં સફળતા મળી છે. આજે વહેલી સવારે ત્રણેય મહેસાણાના વડસ્માનો યુવક ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરી મુંબઈ એરપોર્ટ આવી પહોંચતાં વડસ્મા ખાતે રહેતા પરિવારજનો તેમને લેવા મુંબઈ પહોંચ્યા હતા. 

આ કેસમાં મહેસાણા પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં હતી અને જરૂરી દસ્તાવેજો મોકલીને સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. અપહરણકારોના ફોન પર પરિવારજનોને સાથે રાખી સીધી વાતચીત કરવામાં આવી હતી. ભારતીય તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કાયદાની ભાષા સમજાવી તેમજ પરિવારની આર્થિક સ્થિતિ જણાવીને અપહરણકારો પર રાજદ્વારી દબાણ ઊભું કર્યું હતું. આ સમયસૂચકતાના પરિણામે અપહરણકારો ખંડણીની રકમ લીધા વગર જ યુવાનોને મુક્ત કરવા મજબૂર બન્યા હતા.

ગઈકાલે રાત્રે ઇથોપિયાથી ફ્લાઇટમાં બેસીને આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ત્રણેય લોકો મુંબઈ એરપોર્ટ પર સહીસલામત ઉતરી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, ત્રણેયને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોતના મુખમાં ધકેલનારી બોગસ સિન્ડિકેટ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાંઘણજ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માનવ તસ્કરી આચરતા એજન્ટોનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.

મહેસાણાના વડસ્મા ગામનો ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા તથા ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં થાય છે. ત્રણેય કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશની મદદથી અમેરિકા જવા નીકળ્યા હતા. સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને જયપુરથી એતિહાદની ફ્લાઈટમાં અબુધાબી મોકલ્યા હતા. ત્યાંથી તેઓ ઇથોપિયાની રાજધાની એડીસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા જીએસએફ કેમ્પમાં રોકાયા, જ્યાં 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોમ્બર સુધીના મહિનાના ઈ-વિઝા લીધા હતા.

આ સમયમાં પરિવારજનો પાસે સ્થાનિક એજન્ટે ટુકડે ટુકડે 70 લાખ મેળવી લઈ ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 'હવે કેનેડાથી અમેરિકા જવા નીકળે છે' તેમ કહ્યા બાદ અચાનક ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application