BREAKING NEWS

એ ભાગો...ભાગો...ની બૂમ પડતા 11 જુગારીઓ ભાગ્યા, કુવામાં પડતા ત્રણ યુવકના મોત, ભાવનગરના ઉખલા ગામની ઘટના

  • August 18, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં અચાનક મચેલી ભાગદોડના કારણે ત્રણ યુવકો ખુલ્લા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પડી જવાથી ત્રણેય યુવકોના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.


જુગારધામ પર 'ભાગો ભાગો'ની બૂમો અને અફરાતફરી

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઉખલા ગામના વાડી વિસ્તારમાં અંધારાનો લાભ લઈને ૧૧ જેટલા યુવકો એકઠા થઈને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ કાઈ શંકાસ્પદ હલચલ અથવા પોલીસ આવ્યાની અફવાને કારણે "ભાગો ભાગો"ની બૂમો પડી હતી. ભાગદોડના આ માહોલમાં અંધારાને કારણે વાડીમાં આવેલા ખુલ્લા કૂવાની ખબર ન રહેતાં ત્રણ યુવકો સીધા જ કૂવામાં જઈ પડ્યા હતા અને ઊંડા પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયા હતા.


મૃતકોની ઓળખ અને અરેરાટી

કૂવામાં પડી જવાથી અકાળે કાળનો કોળિયો બનેલા ત્રણેય યુવકોની ઓળખ થઈ ચૂકી છે. મૃત્યુ પામનાર યુવકોમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકોનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકોના મોત થતાં ઉખલા ગામ સહિત સમગ્ર તાલુકામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.​​​​​​​

હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી કરૂણ દ્રશ્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કૂવામાંથી ત્રણેય યુવકોના મૂર્તદેહોને બહાર કાઢીને પંચનામું કર્યા બાદ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ મોટી સંખ્યામાં મૃતક યુવકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા. સ્વજનોના અકાળે થયેલા અવસાનથી પરિવારજનોના કરૂણ આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


વરતેજ પોલીસ સ્ટેશનના PSIએ જણાવ્યું હતું કે, ઘોઘા તાલુકાના ઉખલા ગામે રાત્રે વાડીમાં અમૂક માણસો ભેગા થયેલા હતા. સવારે ફોનથી માહિતી મળી હતી કે એક વાડીમાં લાશ પડી છે. તાત્કાલિકપોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી એક બાદ એક ત્રણ લાશ મળી આવી હતી. તમામ મૃતદેહને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.

જુગાર રમતા સમયે રેડ કરી હોવાના પરિવારના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે, ના એવું કંઈ ધ્યાનમાં નથી આવી કે પોલીસે રેડ કરી હોય. કોઈ ગયું જ નથી અને શું માટે ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application