રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી મળેલી દારૂની ત્રણ ખાલી બોટલોથી સમગ્ર વ્યવસ્થાપન પર સવાલો ઊભા થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, રાત્રિના સમયે કેટલાક સ્ટાફ સભ્યો અહીં દારૂની મહેફિલ માણતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ તમામ બાબતો સત્તાવાર રીતે આરોપો છે અને તેની પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
રાત્રિના સમયે અહીં સિક્યુરિટી ગાર્ડની હાજરી ખૂબ ઓછી હોય છે
હોસ્પિટલનાં સફાઈ કર્મીઓએ જણાવ્યું કે રાત્રિના સમયે અહીં સિક્યુરિટી ગાર્ડની હાજરી ખૂબ ઓછી હોય છે, જેને કારણે ઘણા લોકો તેનો લાભ ઉઠાવે છે. “રાત્રે કોણ આવે છે, કોણ જાય છે — કોઈ તપાસ કરવાની હોય તેવું કોઈ માહોલ જ નથી,” એવો આક્ષેપ એક કર્મીએ કર્યો હતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલ દર મહિને સુરક્ષા માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે, તેમ છતાં આવા બનાવો સામે આવવું શરમજનક ગણાય છે.
અગાઉ 108 એમ્બ્યુલન્સમાંથી છથી વધુ ખાલી દારૂની બોટલો મળી હતી
આ ઘટના કોઈ એકલી નથી. અગાઉ પણ રેસિડેન્ટ ડૉક્ટરોના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો અને દારૂથી ભરેલી કાર મળી આવી હતી. હવે ફરી જૂની બિલ્ડિંગમાં તેમજ હોસ્પિટલની પાર્કિંગમાં ખડી રાખવામાં આવેલી ખખડધજ 108 એમ્બ્યુલન્સમાંથી છથી વધુ ખાલી દારૂની બોટલો મળી આવી છે. એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગારેટ પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. કુલ મળી ૯ ખાલી દારૂની બોટલો મળતાં, એમ્બ્યુલન્સનો દારૂ સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો હોવાની પણ શંકા ઊભી થઈ છે.
સુરક્ષા અને વ્યવસ્થાપન બંનેની કામગીરી પર ગંભીર સવાલો
દારૂબંધી કડક હોવા છતાં આવા બનાવો સામે આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે? હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આવી ઘટનાઓ સામે આવવાથી સુરક્ષા અને વ્યવસ્થાપન બંનેની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.