રાજકોટ લોધિકા સહકારી સંઘની પાંચ બેઠકની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપના મેન્ડેટ વિરુધ્ધ ઉમેદવારી અને ભાજપના વ્હીપ વિરુધ્ધ મતદાન કરાવનાર ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથના કુલ પાંચ પૈકી ચાર ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જ્યારે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના મોટા માથાઓનો પરાજય થયો હતો. આ સાથે જ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ માટે નીતિન ઢાંકેચાનું નામ નિશ્ચિત બન્યું છે.
કુવાડવા બેઠક ઉપર કુલ ચારનું મતદાન હતું જેમાંથી ભાજપના વ્હીપ બેઝ ઉમેદવાર અરવિંદ રૈયાણીને ફ્ક્ત એક મત મળ્યો હતો, જ્યારે તેના પ્રતિસ્પર્ધી રાદડિયા જૂથના નીતિન ચોવટિયાને ત્રણ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
માધાપર બેઠકમાં કુલ પાંચનું મતદાન હતું જેમાં
ભાજપના વ્હીપ બેઝ ઉમેદવાર પૃથ્વીસિંહ ( ઘોઘુભા) જાડેજાને એક મત મળ્યો હતો, જ્યારે રાદડિયા જૂથના વિજય સખિયાને ચાર મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
ખોખડદળ બેઠકમાં કુલ ચાર મત હતા તેમાંથી ત્રણનું મતદાન થતા ભાજપના વ્હીપ બેઝ ઉમેદવાર બાબુ નસીતને બે મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા, જ્યારે તેમના પ્રતિ સ્પર્ધી રાદડિયા જૂથના ઉમેદવાર હરજીભાઇ પીપળીયાને એક મત મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર ચોથો મત રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરના પતિ શૈલેષભાઇ પરસાણાનો મત હતો અને તેમણે મતદાન કર્યું ન હતું.
કસ્તુરબા ધામ ત્રાંબાની બેઠક ઉપર કુલ ચાર મત હતા અને ચારેયએ મતદાન કર્યું હતું, જેમાં ભાજપના વ્હીપ બેઇઝ ઉમેદવાર અનિરુધ્ધસિંહ જાડેજા અને રાદડિયા જૂથના ઉમેદવાર નીતિન રૈયાણી તેમ બન્નેને બે-બે મત મળતા ટાઇ થઇ હતી, ત્યારબાદ ચિઠ્ઠી ઉલાળીને જીત નક્કી કરવામાં આવતા રાદડિયા જૂથના નીતિન રૈયાણી વિજેતા જાહેર થયા હતા.
હલેન્ડા બેઠક ઉપર કુલ ચાર મતદાર હતા અને ચારેયએ મતદાન કર્યું હતું, જેમાં ભાજપના વ્હીપ બેઇઝ ઉમેદવાર ધીરૂભાઈ રોકડને એક પણ મત મળ્યો ન હતો અને તેમના પ્રતિ સ્પર્ધી રાદડિયા જૂથના મહેશભાઈ આસોદરિયાને ચાર મત મળ્યા હતા.