રાજકોટના સરધારમાં 15 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. એક વર્ષ પૂર્વે જે જગ્યાએ ઘરમાં તેના પિતાએ ગળેફાંસો ખાધો હતો ત્યાંજ પુત્રીએ પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સરધારમાં સ્વામિનારાયણ મંદિર પાસે સૂકી સાજડીયારી રોડ પર રહેતી તન્વી મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ.16)ની સગીરાએ ગઈકાલે બપોરે ઘરે એકલી હતી ત્યારે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. નાનો ભાઈ સ્કૂલેથી આવતા બહેને લટકતી જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા એએસઆઈ સાગરભાઈ પ્રધાન સહિતના સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતેદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
આપઘાત કરનાર સગીરા બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરે હતી, માતા અને બહેન કામે ગયા હતા અને બંને નાના ભાઈ સ્કૂલે ગયા બાદ પાછળથી પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીએ આંતરડાની જૂની બીમારી હોય જેની દવા પણ ચાલુ હતી તેનાથી કંટાળી પગલું ભરી લીધાનું જણાઈ રહ્યું છે. તેમજ સગીરાએ જ્યાં આપઘાત કર્યો ત્યાં જ એક વર્ષ પૂર્વે તેના પિતાએ પણ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જેના વિયોગમાં પણ પગલું ભરી લીધાની શક્યતા જણાઈ રહી છે. પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application