કેનાલનું પાણી ન મળતાં જામજોધપુરના ખેડૂતો નું આજથી ઉપવાસ આંદોલન શરૂ
કેનાલનું પાણી ન મળતાં જામજોધપુરના ખેડૂતો નું આજથી ઉપવાસ આંદોલન શરૂ
September 09, 2026 10:48 AM
જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે. આ અંગે પાડોદરા વિજયભાઈ વલ્લભભાઈ સહિતના ખેડૂતોએ જામજોધપુર મામલતદારને લેખિત રજૂઆત કરી છે.ખેડૂતોની રજૂઆત મુજબ ફુલઝર (કોબા) ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોટો ખર્ચ કરી પોતાના ખેતરોમાં વાવેતર કર્યું છે. હાલ વરસાદ ખેંચાતા પાકને પિયતની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સરકારના હુકમ મુજબ કેનાલ મારફતે સિંચાઈનું પાણી મળવાનું હોવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી.ખેડૂતોએ જણાવ્યું છે કે, આ અંગે તા. ૩૧ ઓગસ્ટના રોજ જામજોધપુર મામલતદાર કચેરીમાં લેખિત અરજી પણ કરવામાં આવી હતી. તેમ છતાં સિંચાઈ વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કે અમલવારી ન થતાં ખેડૂતોની મુશ્કેલી યથાવત છે. પાણીના અભાવે ખેતરોમાં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો હોવાનું અને ખેડૂતોને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે, સમયસર કેનાલનું પાણી નહીં મળવાથી તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે. સરકારના આદેશ છતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે.જે સંદર્ભે આજથી ૧૫ જેટલા ખેડૂતો એ મામલતદાર કચેરી સામે ઉપવાસ ઉપર બેઠા છે અનેખેડૂતોને જોબે દિવસમાં ન્યાય નહીં મળે તો વધુ ઉગ્ર પગલાં ભરવાની, જેમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.ખેડૂતોએ સરકાર અને તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરી ફુલઝર (કોબા) વિસ્તારના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવે અને પાકને બચાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.