શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કે.જી.ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૮ના ત્રણ વિદ્યાર્થીઓ ગઈકાલે બપોર બાદ એકાએક લાપતા થતા દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલે આવ્યા બાદ તેમના બાળકો લાપતા થયાની જાણ હતા હોબાળો મચાવતા વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસે ગંભીરતા દાખવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ત્રણે વિદ્યાર્થીઓ જુનાગઢથી હેમખેમ મળી આવ્યા હતા. જેથી વાલી સ્કૂલ સંચાલક અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણેય વિદ્યાર્થીઓ વોશરૂમ જવાનું કહી નીકળ્યા બાદ 10- 15 મિનિટ સુધી વોશરૂમમાં ચોકલેટ ખાતા જોવા મળ્યા હતા. જેથી તેમને ઠપકો આપ્યો હતો અને વાલીને બોલાવ્યા હતા. જેનાથી ડરી જઈ આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્કૂલેથી નાસી ગયા હતાં.
વાલીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, 150 ફૂટ રિંગ રોડ પર કે.જી. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૮ના ત્રણ વિદ્યાર્થીઓ ગઈકાલે સ્કૂલે ગયા હતા. ત્યારે ક્લાસ ટીચર પાસેથી વોશરૂમ જવાની પરવાનગી લઇ નીકળ્યા હતા. 10-15 મિનિટ જેટલો સમય વિતવા છતાં તે પરત ના આવતા શિક્ષકે તપાસ કરતા ત્રણેય વોશરૂમમાં ચોકલેટ ખાતા જોવા મળ્યા હતા. આથી શિક્ષકોએ આ અંગે તેમને મનાઈ કરી પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં આ મામલે તેના વાલીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.
સ્કૂલ સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી
વાલીઓને જાણ કર્યા બાદ આ વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને વાલી ઠપકો આપશે તેવા ડરથી ત્રણેય વિદ્યાર્થી સાંજના ચારેક વાગ્યે સ્કૂલેથી નાસી ગયા હતા. બીજી તરફ આ વિદ્યાર્થીઓના વાલી સ્કૂલે પહોંચતા ત્રણેય વિદ્યાર્થી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્કૂલ સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી અને આ મામલે તાલુકા પોલીસમાં તુરંત અરજી કરવામાં આવી હતી. ઘટનાના પગલે એનએસયુઆઇ અને એબીવીપીના કાર્યકરો પણ શાળાએ પહોંચ્યા હતા. વાત વધુ ન વણસે તે માટે તુરંત પોલીસને બોલાવવામાં આવી હતી. પીઆઇ ડી.એમ. હરીપરા તથા સ્ટાફે શાળાએ પહોંચી તપાસ શરૂ કરી હતી.
ત્રણેય વિદ્યાર્થીઓ જુનાગઢ હોવાનું જાણવા મળ્યું હતું
પોલીસ શોધખોળ કરી હતી દરમિયાન ત્રણેય વિદ્યાર્થીઓ જુનાગઢ હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય વિદ્યાર્થીઓ શાળાએથી નીકળ્યા બાદ એસટી બસ કે ગમે તે વાહન મારફતે જુનાગઢ પહોંચ્યા હતા. એસટી બસ સ્ટેન્ડમાં ત્રણેય બેઠા હતા ત્યારે એસટી ડેપોના સ્ટાફને શંકા જતા ત્રણેયની પૂછપરછ કરી હતી. આથી ત્રણેય રાજકોટથી નીકળી જુનાગઢ આવી ગયાનું જાણવા મળતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની ટીમ ત્રણેયને જુનાગઢ લેવા પહોંચી હતી.મોડી રાત્રીના ત્રણેય વિદ્યાર્થીઓને રાજકોટ લાવી તેમના પરિવારને સોંપ્યા હતા. શાળાએથી લાપતા બનેલા ધો. 8 ના આ ત્રણેય વિદ્યાર્થીઓ હેમખેમ મળી આવતા તેમના વાલી અને શાળા સંચાલક તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
વિદ્યાર્થીઓ આરામથી જતા રહ્યા સિક્યુરિટી ગાડી રોક્યા પણ નહીં
ધોળકિયા સ્કૂલમાં ધો.૮ ના ત્રણ વિદ્યાર્થીઓને ગેરશિસ્તને લઈ શિક્ષકે ક્લાસની બહાર બેસાડ્યા હતા. બાદમાં તેઓ અહીંથી ભાગી ગયા હતા. સીસીટીવી તપાસતા આ ત્રણેય વિદ્યાર્થી સરળતાથી સ્કૂલની બહાર નીકળતા દેખાયા હતા. સ્કૂલના સમયે ત્રણેય વિદ્યાર્થીઓ બહાર નીકળે છે તેમ છતાં એક પણ સિક્યુરિટી તેમને રોકતો નથી તે બાબત ખૂબ જ ગંભીર છે.