ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં વધુ બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે. મૃતકોમાં ભાવનગરના તળાજા રોડના રહેવાસી કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૪૦), ઘોઘા તાલુકાના ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉંમર વર્ષ ૨૫) અને મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે.
ઘટના અંગે વિગતો આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, નકલી દારૂની અસર હેઠળ આવેલા કુલ ૧૭ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સિવિલમાં 8 દર્દીઓ, અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. સદનસીબે, તબીબોના જણાવ્યા મુજબ હાલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની શારીરિક સ્થિતિ નોર્મલ અને સ્થિર છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, જે લોકોએ રવિવાર અને સોમવાર દરમિયાન આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે વહેલી તકે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી છે. સમયસર સારવાર મળી રહે તો વધુ જાનહાનિ રોકી શકાય તે માટે તંત્ર દ્વારા આ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.