કચ્છ જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. ભુજ તાલુકાના ધ્રગ રોડ પર બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતા.
મળતી માહિતી મુજબ, ધ્રગ ગામ ખાતે લોકમેળો યોજાતા ધ્રગ રોડ પર વાહનોની ભારે અવરજવર હતી. મેળાને લઈ મોટી સંખ્યામાં લોકો ગામ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રસ્તા પર લોહીલુહાણ દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલુ છે. તબીબો મુજબ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ (પીએમ) માટે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. સાથે જ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અને બેદરકારી કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હકિકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મેળા જેવા પ્રસંગોમાં વધતી ટ્રાફિક અને બેદરકાર ડ્રાઇવિંગને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની અપીલ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.