BREAKING NEWS

ખાટુ શ્યામથી આવતી ઈકો કાર ટ્રકમાં ઘૂસી: રાધનપુર પાસે કાળજુ કંપાવનારા અકસ્માતમાં 3ના મોત

  • September 06, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર નેશનલ હાઈવે નંબર-૨૭ પર એક અત્યંત કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાઘવજી હોટલ નજીક બનેલી આ ઘટનામાં ઈકો કાર રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો.

મળતી વિગતો અનુસાર, ઈકો કારમાં સવાર શ્રદ્ધાળુઓ રાત્રિના સમયે ખાટુ શ્યામના દર્શન કરીને નિજ ધામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર રાઘવજી હોટલ પાસે ઉભેલી ટ્રકની પાછળ કાર અચાનક ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ચીસિયારીઓ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુનિલભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશભાઈ અંબુભાઈ મહેતા અને કચ્છના અંજારના રહેવાસી શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનું અકાળે અવસાન થયું છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વધુ ગંભીર હાલત ધરાવતા ચાર ઘાયલોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં ગોપાલસિંહ ગોહિલ, મુકેશભાઈ કોલી, કિશોરસિંહ જાડેજા અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે.

ઘટના અંગે જાણ થતાં રાધનપુર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધાર્મિક યાત્રાએથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડેલા આ અકસ્માતથી મૃતકોના પરિવારજનોમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application