ઝારખંડના જંગલોમાંથી 'વાઘ' ગાયબ: ૩૦થી ઘટીને સંખ્યા થઈ 'શૂન્ય'; માત્ર રસ્તા કિનારે હરિયાળી વધતા વન્યજીવોનું અસ્તિત્વ જોખમમાં!
પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જંગલોની નિવસનતંત્ર (Ecosystem) ની વ્યવસ્થા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવતા વાઘ, દીપડા અને ચિત્તા જેવા 'કી-સ્ટોન'વન્યજીવો ઝારખંડના જંગલોમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યના જંગલોમાં ૩૦થી વધુ વાઘ હાજર હતા, જે આજે ઘટીને 'શૂન્ય' પર પહોંચી ગયા છે.
શાકાહારી પ્રાણીઓ પણ માત્ર એક જ નેશનલ પાર્ક પૂરતા સીમિતવાઘ અને દીપડા જેવા શિકારી પ્રાણીઓની ગેરહાજરીના કારણે જંગલમાં હરણ, ચીતલ અને સાંભર જેવા શાકાહારી જીવોની સંખ્યા વધવી જોઈતી હતી. પરંતુ પ્રખ્યાત વન્યજીવ નિષ્ણાતોના મતે, જંગલોમાં થતા ગેરકાયદેસર શિકારના કારણે આ શાકાહારી પ્રાણીઓ પણ જંગલોમાંથી ગાયબ થઈ રહ્યા છે. હાલમાં ચીતલ અને સાંભર જેવા જીવો માત્ર ઝારખંડના 'બેટલા નેશનલ પાર્ક' પૂરતા જ સીમિત રહી ગયા છે, જ્યારે બાકીના વન વિસ્તારોમાં તેમની સંખ્યા નહિવત છે.
'કી-સ્ટોન' પ્રજાતિઓ જંગલ માટે કેમ અનિવાર્ય છે?
વાઘ અને દીપડાનું કામ:- આ હિંસક પ્રાણીઓ નબળા કે બીમાર હરણોનો શિકાર કરે છે, જેનાથી વન્યજીવોની નબળી નસ્લ સમાપ્ત થાય છે અને માત્ર તંદુરસ્ત પ્રાણીઓ જ બચે છે જે ભવિષ્યમાં સ્વસ્થ વંશનું નિર્માણ કરે છે.
હાથી - જંગલનો એન્જિનિયર:- હાથીઓ ઝાડીઓ તોડીને અન્ય નાના પ્રાણીઓ માટે રસ્તો બનાવે છે. જંગલના ઘણા વૃક્ષોના ફળ હાથી ખાય છે અને તેના પેટના એન્ઝાઇમ્સથી જ તે બીજના કવચ દૂર થાય છે, જે જંગલમાં નવા છોડ ઉગાડવામાં (નવા વનીકરણમાં) સીધા મદદરૂપ બને છે. જો કે, ઝારખંડમાં હાથીઓની સંખ્યા પર પણ હવે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે.
માત્ર હાઇવે કિનારે હરિયાળી વધવાથી જીવો નહીં બચેવન વિભાગ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં નેશનલ હાઇવે અને ગ્રામીણ રસ્તાઓની બંને બાજુએ ૫ લાખથી વધુ છોડ વાવીને હરિયાળી માં ચોક્કસ વધારો કર્યો છે. પરંતુ વિડંબના એ છે કે રસ્તા કિનારે ઉગેલા વૃક્ષોમાં વાઘ, દીપડા કે હરણ જેવા વન્યજીવો રહી શકતા નથી. પર્યાવરણ સંતુલન માટે માત્ર વૃક્ષો જ નહીં, પણ જંગલની અંદર જીવ અને પાણી નું હોવું પણ એટલું જ અનિવાર્ય છે. જો જંગલોમાં ગેરકાયદેસર શિકાર અટકાવવામાં અને નાના ચેકડેમ બનાવીને પાણી બચાવવામાં નહીં આવે, તો આ કટોકટી વધુ ઘેરી બનશે.