જામનગર: રૂ.૨૩.૦૮ કરોડના બોગસ ઇનપુટ ટેકસ કૌભાંડમાં પિતા-પુત્રના જામીન અરજી નામંજુર
મંડોવારા ટ્રેડીંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર અને તેના પુત્ર આયુષ શાહની મેટ્રોપોલીયન કોર્ટે જામીન અરજી નામંજુર કરતા ખળભળાટ
જામનગરમાં એકાદ મહિના પહેલા રૂ. ૨૩.૦૮ બોગસ ઇનપુટ ટ્રેડીંગ કૌભાંડ બહાર આવ્યું હતું. તેમાં મંડોવારા ટ્રેડીંગ કંપનીના સંચાલક પિતા-પુત્રની જીએસટી દ્વારા અટકાયત કરાઇ હતી. આ બન્નેએ મેટ્રોપોલીયન કોર્ટમાં જામીન અરજી કરતા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ તથા તેમના પુત્ર આયુષ શાહની આશરે રૂ. ૨૩.૦૮ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.
બંને આરોપીઓએ પ્રથમ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી કરી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે પણ કેસની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લઈ બંનેની જામીન અરજી નામંજૂર કરી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમગ્ર બોગસ બિલિંગ નેટવર્કની તપાસ વધુ સઘન રીતે ચાલુ રાખવામાં આવી છે અને સરકારી આવકના રક્ષણ માટે કાયદેસરની કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે.