રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના અધૂરા કામ અને ત્યાં થઈ રહેલી ગેરકાયદેસર ટોલ ટેક્સની ઉઘરાણી મામલે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક ગંભીર પત્ર લખવામાં આવ્યો છે. ડૉ. પટેલે આ પત્રમાં પ્રજાની હાલાકી અને હાઇવેની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ત્વરિત તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ લોકો સાથે છેતરપિંડી છે.
હાઇવે પર પાયાની સુવિધાઓનો અભાવ અને અધૂરા કામો
ધારાસભ્ય ડૉ. પટેલે પત્રમાં જણાવ્યું છે કે, તેઓ જ્યારે ખોડલધામ ખાતેની મીટિંગમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે રાજકોટ થી જેતપુર વચ્ચે બની રહેલા સિક્સ લેન રોડની સ્થિતિ રૂબરૂ નિહાળી હતી. તેમણે નોંધ્યું કે, રોડ પર આવતા અનેક પુલોનું કામ હજુ અધૂરું છે અને ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, છતાં ખાનગી કંપની દ્વારા વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. અધૂરા કામ અને નબળી સુવિધાઓ હોવા છતાં ટોલ વસૂલવાની આ પ્રક્રિયા પ્રજા સાથે છેતરપિંડી અને લૂંટ સમાન હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે.
વહીવટી તંત્ર સામે ઉઠ્યા સવાલો: ગેરકાયદે ટોલ ઉઘરાવવાની પરવાનગી કોણે આપી?
ડૉ. પટેલે મુખ્યમંત્રીને સંબોધતા પ્રશ્ન કર્યો છે કે, જ્યારે રોડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હોય અને લોકોને પૂરતી સુવિધા પણ ન મળતી હોય, ત્યારે આવી સ્થિતિમાં ટોલ ટેક્સ ઉઘરાવવાની પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે? તેમણે વધુમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે સકારાત્મક નિર્ણયો લઈ રહી છે, પરંતુ હાઇવે પર થઈ રહેલી આ અનિયમિતતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કરે છે. અંતમાં, ધારાસભ્યએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ એક સંવેદનશીલ વડા તરીકે આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય પગલાં ભરે.