રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આજથી એટલે 5 ઓગસ્ટથી રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આર.કે. આઇકોનિક ખાતે જીએસટી ટ્રિબ્યુનલ બેંચ કાર્યરત થઇ છે, આથી જીએસટી સંબંધિત અપીલો અને વિવાદોના નિવારણ માટે હાઇકોર્ટ સુધી હવે જવાની જરૂર નહિ પડે અને સ્થાનિક સ્તરે જ સુનાવણી અને ન્યાયની પ્રક્રિયા શક્ય બનતા અરજદારોનો સમય અને ખર્ચ બંને બચશે.
રાજકોટ જીએસટી ટ્રિબ્યુનલમાં અત્યાર સુધીમાં કુલ 1000થી વધુ અરજીઓની નોંધણી થઈ ચૂકી છે. ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે કરદાતાએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ઓનલાઈન જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. મુખ્યત્વે જીએસટી એક્ટની કલમ 73, 74, 122, 129 અને 130 હેઠળના વિવાદોને લગતી અપીલો અહીં દાખલ કરી શકાય છે. જો કોઈ ટેક્સ પેયરને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે અથવા જીએસટી વિભાગના નિર્ણયથી તેઓ અસંતોષિત છે, તો તેઓ ટ્રિબ્યુનલમાં અરજી કરીને ન્યાય મેળવી શકે છે. અરજી દાખલ કરતી વખતે નિયત ફી પણ ચૂકવવી પડે છે, જે કેસના પ્રકાર અને રકમના આધારે અંદાજે 5,000થી 25,000 રૂપિયા સુધી હોઈ શકે છે.
અત્યાર સુધી વેપારીઓને જીએસટી વિભાગના નિર્ણય સામે આગળની કાનૂની કાર્યવાહી માટે હાઇકોર્ટ સુધી પહોંચવું પડતું હતું. તેમાં સમયની સાથે ખર્ચ પણ વધારે થતો હતો. હવે રાજકોટમાં જ ટ્રિબ્યુનલ ઉપલબ્ધ થતાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના વેપારીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ વ્યવસ્થા વધુ લાભદાયી સાબિત થશે. જીએસટીએટી એટલે કે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની રચનાનો મુખ્ય હેતુ જીએસટી સંબંધિત વિવાદોનું ઝડપી અને સચોટ નિવારણ કરવાનો છે. જ્યારે કોઈ કરદાતા અને જીએસટી વિભાગ વચ્ચે ટેક્સ, દંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અથવા અન્ય કોઈ મુદ્દે મતભેદ ઊભો થાય ત્યારે આ ટ્રિબ્યુનલ એક વિશેષ અપીલ મંચ તરીકે કામ કરશે. તેના કારણે કેસોના નિરાકરણમાં ઝડપ આવશે અને હાઇકોર્ટ પરનો ભાર પણ ઘટશે.
રાજકોટમાં શરૂ થનારી આ ટ્રિબ્યુનલ બેંચ માત્ર રાજકોટ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશના વેપારીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક સ્તરે સુનાવણી મળતાં મુસાફરીનો ખર્ચ ઘટશે, કાનૂની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વેપારીઓ પોતાના વ્યવસાય પર વધુ ધ્યાન આપી શકશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓમપ્રકાશ તિવારીએ વેપારીઓને અપીલ પણ કરી છે કે તેઓ જીએસટી ટ્રિબ્યુનલની આ નવી સુવિધાનો મહત્તમ લાભ લે. તેમણે જણાવ્યું કે ટ્રિબ્યુનલ શરૂ થતાં કરદાતાઓને વધુ સરળ, પારદર્શક અને સુલભ ન્યાય પ્રક્રિયા મળશે. સાથે જ જીએસટી સંબંધિત અપીલો અને ફરિયાદોના ઝડપી નિકાલથી વેપાર જગતમાં વિશ્વાસ પણ વધશે. આ સાથે સીએ, એડવોકેટ, વેપારીઓ સહીતે બેચને આવકારી છે,