અમેરિકામાં યોજાયેલી 2026ની મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને સેનેટમાં બહુમતી મેળવી છે. બીજી તરફ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ ડેમોક્રેટ્સની સ્થિતિ મજબૂત બની છે. આ પરિણામોને ટ્રમ્પના નેતૃત્વ અને તેમની સરકારની નીતિઓ સામે મતદારોના અસંતોષ તરીકે જોવામાં આવી રહ્યાં છે.
અમેરિકાની આ મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન થયું હતું. આ ઉપરાંત 36 રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી સેનેટની બાવન બેઠકો ઉપર કબજો કર્યો છે જયારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની 435 બેઠકોમાંથી ૧૯૪ બેઠક પર અને 36 રાજ્યોમાં ગવર્નરની ૨૪ બેઠક ઉપર પોતાનો દબદબો કાયમ કર્યો છે.
ચૂંટણીમાં ડેમોક્રેટ્સે ટેક્સાસ, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને ઓહિયો જેવા રાજ્યોમાં સેનેટની મહત્વપૂર્ણ બેઠકો જીતીને રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો આપ્યો છે. જ્યોર્જિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર જોન ઓસોફે રિપબ્લિકન ઉમેદવાર માઇક કોલિન્સને હરાવી પોતાની બેઠક જાળવી રાખી છે.
કેન્સાસમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર અને પાદરી એડમ હેમિલ્ટને રિપબ્લિકન સેનેટર રોજર માર્શલને હરાવ્યા છે. 1932 બાદ પ્રથમ વખત કેન્સાસમાંથી ડેમોક્રેટિક પાર્ટીનો ઉમેદવાર સેનેટમાં પહોંચ્યો છે. હેમિલ્ટનને 53 ટકા જ્યારે માર્શલને 44 ટકા મત મળ્યા હતા.
ટેક્સાસમાં પણ રિપબ્લિકન પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર જીના હિનોસાએ ગવર્નર ગ્રેગ એબોટને હરાવી જીત મેળવી છે. આ ઉપરાંત ઓહિયોમાં એમી એક્ટને રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને હરાવ્યા છે.
જ્યોર્જિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર કીશા લાન્સ બોટમ્સે ગવર્નરની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ જ્યોર્જિયાના પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બન્યાં છે. 1998 પછી પ્રથમ વખત આ રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીએ ગવર્નરની બેઠક જીતી છે. વિસ્કોન્સિનમાં ડેવિડ ક્રાઉલીએ પણ જીત મેળવીને રાજ્યના પ્રથમ અશ્વેત ગવર્નર બનવાનું ગૌરવ મેળવ્યું છે.
મતદારોમાં મોંઘવારી, ઈરાન સાથેનું યુદ્ધ, આર્થિક સ્થિતિ અને ટ્રમ્પ સરકારની નીતિઓને લઈને નારાજગી મુખ્ય મુદ્દા રહ્યાં હતાં. સર્વે અનુસાર યુવા મતદારોનો ઝુકાવ પણ ડેમોક્રેટિક પાર્ટી તરફ જોવા મળ્યો હતો.
બીજી તરફ, ટ્રમ્પે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા નુકસાન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા તૈયાર છે અને આગામી સમયમાં ડેમોક્રેટ્સ સાથે કામ કરશે. જોકે, તેમણે સોશિયલ મીડિયા પર એવો દાવો પણ કર્યો હતો કે જો તેઓ પોતે ચૂંટણીના મેદાનમાં હોત તો રિપબ્લિકન પાર્ટી ભવ્ય જીત મેળવી હોત.
આ પરિણામો બાદ અમેરિકન કોંગ્રેસમાં આગામી બે વર્ષ દરમિયાન ટ્રમ્પ સરકારની નીતિઓ પર ડેમોક્રેટ્સનું દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને સરકારના નિર્ણયો, આર્થિક નીતિઓ અને વહીવટી કામગીરી અંગે તપાસ અને દેખરેખ વધુ કડક બની શકે છે.
ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો
ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ પણ સફળતા મેળવી છે. સુહાસ સુબ્રમણ્યમ, અરુણા મિલર અને પિયા ડાંડિયાએ પોતાની ચૂંટણીમાં જીત મેળવી છે. આ પરિણામોથી અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓની હાજરી વધુ મજબૂત બની છે.
હું રાજકીય પંડિત બનીને ઉમેદવારોની જીત અને હારનાં કારણો જણાવીશ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે તેઓ રાજકીય પંડિત બનશે અને ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારનાં કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે. તેમણે લખ્યું, હું સારા અને ખરાબ, બંને પ્રકારનું રાજકીય વિશ્લેષણ કરીશ અને જણાવીશ કે કયા કારણોસર ઉમેદવારો જીત્યા કે હાર્યા.