ગાંધીનગરના દહેગામ-નરોડા હાઈવે પર આવેલા રાયપુર ગામ પાસેની નર્મદા કેનાલમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી હતી. પારિવારિક ઝઘડા બાદ આપઘાત કરવા કૂદેલા નાના ભાઈને બચાવવા જતાં મોટો ભાઈ પણ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલે મોડી સાંજ સુધી ચાલેલી શોધખોળ બાદ નાના ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે મોટા ભાઈની હજુ પણ શોધખોળ જારી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહેતો નિખિલ જયંતીભાઈ વાઘેલા નામનો યુવાન રવિવારે ઘરે કોઈ બાબતે બોલાચાલી અને પારિવારિક તકરાર બાદ રોષે ભરાઈને ઘર છોડી નીકળી ગયો હતો. નિખિલ ગુસ્સામાં કંઈક અઘટિત પગલું ભરી લેશે તેવા ડરથી તેનો મોટો ભાઈ તેને સમજાવવા અને રોકવા માટે તેની પાછળ પાછળ દોડ્યો હતો.
બંને ભાઈઓ પીછો કરતાં કરતાં દહેગામ-નરોડા હાઈવે પર રાયપુર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલના બ્રિજ પર પહોંચ્યા હતા. આવેશમાં આવી ગયેલા નિખિલે કંઈ પણ વિચાર્યા વિના બ્રિજ પરથી કેનાલના ધસમસતા પ્રવાહમાં પડતું મૂક્યું હતું. નાના ભાઈને ડૂબતો જોઈ, મોટા ભાઈએ તેને બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડાઈ વધુ હોવાને કારણે બંને ભાઈઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઘટના જોઈ આસપાસના લોકો તાત્કાલિક કેનાલ કાંઠે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને કાળજું કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી સાંજે તરવૈયાઓને નાના ભાઈ નિખિલનો મૃતદેહ મળી આવ્યો હતો. મોટા ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જેને શોધવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
હાલમાં ડભોડા પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેનાલ પર આપઘાતના વધતા બનાવોએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.