કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે એક કરૂણાંતિકા સર્જાતા અરેરાટી મચી ગઈ છે. પાણીની ટાંકામાં પુત્રી પડી જતા માતા કાંખમાં તેડેલી તેની 3 મહિનાની બાળકી સાથે બચાવવા ટાંકામાં પડી હતી. જોકે ત્રણેયના ડૂબી જતા કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાથી પરિવાર હચમચી ગયો છે અને ગામ આખામાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે.
પાણી ઉંડું હોવાથી ત્રણેય બહાર ન નીકળી શક્યા
મળતી માહિતી મુજબ, આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતી અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી. નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડી હતી. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની માસૂમ દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા. પરંતુ પાણી ઉંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
અન્ય એક દીકરી ઘરમાં સૂતી હોવાથી બચી ગઈ
ઘટના સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં કુલ ત્રણ દીકરીઓ હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.