મોરબીના પીપળીયા ચોકડીએ રાત્રીના રોંગ સાઈડમાં આવતા ટ્રકે શ્રમિક ભરેલા બોલેરો પીકઅપ વાહનને ઠોકરે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યા હતા જયારે ત્રણ બાળકો સહીત આઠ વ્યક્તિને નાની-મોટી ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોલેરો પીકઅપવાનમાં પાવડીયાળી અને આસપાસ રહી મજૂરી કામ કરતા પરિવારો કામ પૂરું કરી પોત પોતાના ઘરે જતા હતા ત્યારે ઘટના બની હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક માળિયા આમરણ રોડ ઉપર રાત્રીના બારેક વાગ્યે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે બોલેરો પીકઅપવાનને ટક્કર મારતા ચિચિયારીઓ ગુંજી હતી. અકસ્માતના પગલે પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને તમામને 108 મારફતે સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં મહેન્દ્રભાઈ રૂમાલભાઈ મોવેલ (ઉ.વ. 43) અને શંકરભાઈ પુનસિંગભાઈ અજનાર (ઉ.વ. 33)ને ગંભીર ઈજાઓ થવાથી સારવાર કાગરત નીવડે પૂર્વે જ મોત નીપજ્યું હતું. જયારે રાકેશભાઈ સુમનભાઈ મોવેલ (ઉ.વ.50), બાબુભાઇ રામાભાઇ મોવેલ (ઉ.વ.40), દરબાર છગનભાઈ વાસુનીયા (ઉ.વ.35), ભંગડી સાદર વાસુનીયા (ઉ.વ.30), દિનેશ રામાભાઈ મોવેલ (ઉ.વ.25), રાધિકા સાદર વાસુનીયા (ઉ.વ.13), અક્ષય સાદર વાસુનીયા (ઉ.વ.11) અને લાલો કુંવારશિંહ મોવેલ (ઉ.વ.16)ને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી. બોલેરો સવાર શ્રમિકો મોરબીથી બગથળા સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા હોવાથી કામ પૂરું કરી રાત્રીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.