રાજકોટના સામાકાંઠે સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મિનિટોમાં બે મિત્રો બેભાન થઇ જતા મોત નિપજ્યા હતા. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ બંને વ્યક્તિના મોત દારૂના કારણે થયા છે કે અન્ય કોઈ કારણોસર તે જાણી શકાશે. પોલીસે બે બુટલેગર સહીત ત્રણ શખ્સને સકંજામાં લઇ તપાસ હાથ ધરી. છે
બનાવની પ્રાપ્ત વિગત મુજબ નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રાણછોડભાઇ ડાભી (ઉ.વ.50) અને કનકનગરમાં રહેતા તેના મિત્ર અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા (ઉ.વ.43)ના રવિવારે રાત્રે નવેક વાગ્યે ભગીરથ સોસાયટી શેરી નં.10ના ખૂણે બેભાન હાલતમાં મળી આવતાં બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રાથમિક માહિતીમાં દારૂ પીધા બાદ બંનેના મોત થયાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી.
મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનયએ પોલીસ સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પિતા મનસુખભાઇ અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરીયાને દારૂ પીવાની ટેવ હતી. ગઈકાલે ભગીરથ સોસાયટીમાં રહેતા રામલા નામના બુટલેગર પાસેથી દારૂ લીધા બાદ બંનેએ પીધો હતો જે બાદ બંનેની તબિયત લથડતા મિનિટોમાં જ ત્યાં ઢળી પડ્યા હતા. આ ઉપરાંત એવી શંકા પણ વ્યક્તિ કરી હતી કે, પિતાને ભગત ઉર્ફે જીણો ગોહેલ સાથે માથાકુટ ચાલતી હોવાથી જીણાએ દેશી દારૂમાં કોઇ ઝેરી પદાર્થ પીવડાવી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસે જીણા ગોહેલ, બુટલેગર રામલો અને વિનયને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરતા બનાવ સમયે જીણાએ પોતાની દુકાને હોવાનું જણાવ્યું હતું જયારે રામલાએ કબૂલાત આપી હતી. આ દારૂ પોતે કુબલીયાપરામાં રહેતા વિનય પાસેથી 35 લિટર લીધો હતો. અને બધો દારૂ વેચી નાખ્યો હતો. તો અન્ય કોઈને આવી કોઈ અસર થઇ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી, બંનેના શંકાસ્પદ મોતની નોંધ કરી ફોરેન્સિક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.