BREAKING NEWS

જાનવર આડું આવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી, બે યુવકના કમકમાટીભર્યા મોત, બેને ગંભીર ઇજા, સુરેન્દ્રનગર પાસે ગોઝારો અકસ્માત

  • December 30, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગલાંટ મારીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 


કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો 

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી ધ્રાંગધ્રા આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત સમયે કારમા સવાર ચારેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 


સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા

આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેની મદદથી તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારણે ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતક બંને યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.


ચારેય મિત્રો હોટલમાં જમીને પરત ફરતા હતા

ચારેય મિત્રો હોટેલમાં જમવા ગયા હતા, જે જમીને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ ઝાલા અને બળવંતસિંહ બંને પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બે પોલીસ અને એમના બે મિત્રો ધર્મડ ગામ પાસેથી હોટેલથી જમીને ધ્રાંગધ્રા પરત થતા હાઇવે પર હરિપર ગામ પાસે પોતાની સ્વિફ્ટ કાર વચ્ચે જાનવર આડું આવતા ગાડી પર કાબુ ગુમાવતા પલટી મારી જઈ નીચે ખાડામાં પડી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application