BREAKING NEWS

કચ્છના માંડવીમાં બાઇક સાથે ટકરાતા કાર આગનો ગોળો બની ગઈઃ બે યુવકોના મોત

  • February 13, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના માંડવી નજીક આસંબિયા-જખણિયા માર્ગ પર ગત મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.


પ્રાપ્ત માહિતી મુજબ, મોડી રાત્રે એક કિયા સેલ્ટોસ કાર અને હોન્ડા સ્પ્લેન્ડર બાઈક આસંબિયા-જખણિયા માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનો રસ્તા નીચે બાવળની ઝાડીમાં ઘૂસી ગયા હતા. અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના ઘટનાસ્થળ જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં કાર આખી બળી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક સ્થળ પર ભેગા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકોની ઓળખ ભુજના રહેવાસી કિરણ વિનોદભાઈ વઢિયારા (ઉં.વ.23) અને રોહિત વઢિયારા (ઉં.વ. 23) તરીકે થઈ હતી. તેઓ કોડાય પુલથી આસંબિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતગ્રસ્ત બાઈક પર ત્રણ યુવકો સવાર હોવાની માહિતી પણ સામે આવી હતી. જેમાંથી બે યુવકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં કોડાય પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણો જાણવા તેમજ આગ લાગવાની પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application