BREAKING NEWS

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન...અજાણ્યા વાહને કચડી નાખતા બે યુવકનાં મોત

  • December 31, 2025 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર આવેલા કોસંબા બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.


મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે કોસંબા તરફથી પસાર થતું એક બાઈક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી આગળ વધી રહ્યું હતું. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને બાઈકને અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરના અન્ય અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક માનવતા ભૂલી લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોની કોઈ મદદ કર્યા વગર અંધારાનો લાભ લઈ પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


ઘટનાની જાણ મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળની તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃત યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ હિટ એન્ડ રનની ઘટનાને લઈ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે તેમજ અકસ્માતમાં સંડોવાયેલા વાહનની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સતત વધી રહેલા હિટ એન્ડ રનની બનાવોને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને માર્ગ સલામતી અંગે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News