રોજગારના અધિકારની ગેરંટીના મનરેગા કાયદામાં ખોટો ફેરફાર કરી બનાવામાં આવેલો વીબી-ગ્રામ-જી કાયદો મનરેગાને સંપૂર્ણ નાબૂદ કરવાનું કાવતરૂ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કરી મનરેગા બચાવ આંદોલન અંતર્ગત પંચાયત, બ્લોક,જિલ્લા અને રાજય સ્તરે લડત ચલાવામાં આવશે તેમ જણાવ્યું હતું. જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મોદી ટ્રમ્પની જેમ મનસ્વી વર્તન કરી રહ્યા છે તેમ કોંગ્રેસના માજી સાંસદ વિક્રમ માડમે જણાવ્યું હતું. જયારે કાયદાને યોજના બનાવવાનો કારસો હોય બંંધારણની જોગવાઇ વિરૂઘ્ધના નિર્ણયને કાયદાકીય રીતે અદાલતમાં પડકારવામાં આવશે તેમ ગુજરાત સેવા દળ કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહીરે જણાવ્યું હતું.
રોજગાર ગેરંટીના મનરેગા કાયદામાં ફેરફાર કરી કેન્દ્ર સરકાર દ્રારા વીબી-ગ્રામ-જી કરી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરાતા કોંગ્રેસ દ્વારા આ મુદે લડત શરૂ કરવામાં આવી છે. આ અંગે જામનગરમાં શનિવારે સર્કીટ હાઉસમાં જામનગર શહેર(જિલ્લા) કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના માજી સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, મનરેગા કાયદો વર્ષ-૨૦૦૫ માં સંસદમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ સમયે આ કાયદામાં કેન્દ્ર સરકારનો ૯૦ ટકા અને રાજય સરકારનો ૧૦ ટકા હીસ્સો નકકી કરાયો હતો.
આટલું જ નહીં આ કાયદાનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો. ત્યારે તે સમયે સમિતિના અઘ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતાં. આ સમિતિની ભલામણો સ્વીકારી કાયદો અમલમાં મૂકાયો હતો. જે હાલ ભાજપે જ નાબૂદ કરી દીધો છે. ટ્રમ્પની જેમ મોદી પણ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. આથી નવા કાયદા પ્રમાણે રોજગાર હવે અધિકાર નથી રહ્યો પરંતુ સરકારની મરજી પર નિર્ભર થઇ ગયો છે. નવા કાયદામાં કેન્દ્ર સરકારનો ૬૦ ટકા અને રાજય સરકારનો ૪૦ હીસ્સો રાખવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો હાલમાં રાજયમાં જન્મ લેતું દરેક બાળક દોઢ લાખનું દેવું લઇ જન્મી રહ્યો છે. ત્યારે રાજય સરકાર ૪૦ ટકા હીસ્સો કેમ આપી શકશે તે સળગતો સવાલ છે. વળી, આ નવા કાયદામાંથી મહાત્મા ગાંધીજીનું નમા દૂર કરી મોટું અપમાન કર્યું છે. આથી આ મુદે મનરેગા બચાવ આંદોલન અંતર્ગત પંચાયત, બ્લોક,જિલ્લા અને રાજય સ્તરે લડત ચલાવામાં આવશેે.
જયારે કોંગ્રેસના ગુજરાત સેવા દળના પ્રમુખ પ્રગતિબેન આહીરે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્રારા વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કાવતરૂ છે. નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમીહીન મજૂરો, મહીલા કામદારો, દલીત અને આદીવાસી સમુદાય સાથે દગો છે. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરૂઘ્ધ દેશવ્યાપી મનરેગા બચાવ કાર્યક્રમની ઘોષણા કરી છે. આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરૂ છે. નવા કાયદામાં વીબીનો અર્થ વિકસિત ભારત નહીં પરંતુ વિનાશ ભારત છે. રાજયસરકારની સંમતિ વગર ૬૦:૪૦નો ફંડીંગ રેશિયો નકકી કરવામાં આવ્યો છે. જે બંધારણના અનુચ્છેદ ૨૫૮નું ઉલ્લઘંન છે. આથી આ કાયદાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે.
ખેતીની પાક સીઝનમાં ૬૦ દીવસ કામ નહીં મળે ત્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાની ના પાડી શકશે. જેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહેશે. આથી આ નવા કાયદા સામે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવામાં આવશે. પત્રકાર પરિષદમાં સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાએ કર્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ મનોજભાઇ કથીરીયા, મનપાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પ્રદેશ મહામંત્રી બીપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગીના સહારાબેન મકવાણા, જીવણભાઇ કુંભારવાડીયા સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.