વડોદરા શહેરની નરસિંહજીની પોળમાં બનેલી સામૂહિક આપઘાતની ગંભીર ઘટના અંગે પોલીસે મહત્વના ખુલાસા કર્યા છે. આ મામલે એસીપી (ACP) જી. બી. બામણિયાએ તપાસની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ 3 સ્યુસાઇડ નોટ મળી આવી છે.
મળેલા તમામ પત્રોમાં આર્થિક સંકળામણ અને નાણાકીય મુશ્કેલીઓના કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પરિવાર પર અંદાજિત 33 લાખ રૂપિયાનું દેવું હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમની કારના 2 હપ્તા પણ બાકી હતા. પરિવાર પોતાનું મકાન વેચીને દેવું ચૂકવવાની ગણતરી કરી રહ્યો હતો. આ ઉપરાંત તેમની હોસ્પિટલ પણ યોગ્ય રીતે ચાલતી ન હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક આરતી સોનીએ સ્યુસાઇડ નોટ જાતે લખી છે. આ સાથે જ જૈની અને નીલકંઠ સોનીની સ્યુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી છે. બંને સંતાનોએ પોતાની સ્યુસાઇડ નોટમાં હોસ્પિટલ સારી રીતે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરતી સોનીના માતા, પિતા, ભાઈ અને પતિનું અગાઉ અવસાન થયું હોવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ (ડિપ્રેશન)માં હતા, જ્યારે સંતાનો પણ આર્થિક સંકળામણને કારણે ભારે ચિંતામાં હતા. પોલીસે હાલ તમામ મૃતકોના મોબાઇલ ફોન વધુ વિગતવાર તપાસ અર્થે એફએસએલ (FSL) માં મોકલી આપ્યા છે.