રાજકોટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સમક્ષ રજૂ કરેલા રાજકોટ મહાપાલિકાના આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના ડ્રાફ્ટ બજેટમાં સુધારા, વધારા અને ઉમેરા કરવા સ્ટેન્ડિંગ કમિટી હાલ બજેટ અભ્યાસ કરી રહી છે ત્યારે ચૂંટણી વર્ષમાં નવા પ્રોજેક્ટ ન અપાય તો વાંધો નહીં પરંતું કાળઝાળ મોંઘવારીમાં પીસાતા મધ્યમવર્ગ માટે મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ આપવામાં આવે તેવી રાજકોટવાસીઓની માંગણી છે. રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ આપવા અંગે આજકાલ દૈનિક સમક્ષ અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા જે અત્રે પ્રસ્તુત છે. શાસકો અને વહીવટી પાંખ આ દિશામાં વિચારે તો તે ઇચ્છનીય અને આવકાર્ય બનશે.
વ્યાજમાફી સ્કિમથી વેરા વસૂલાત વધુ ઝડપી બનશે: અતુલ કમાણી
રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને પાટીદાર અગ્રણી અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે જો મહાપાલિકા વ્યાજમાફીની સ્કિમ અપાશે તો બાકીદારોને રાહત થશે અને વેરા વસૂલાત વધુ ઝડપી બનશે. રૂ.પાંચ હજારથી દસ હજારનો વેરો બાકી હોય તેને મિલકત જપ્તીની નોટિસો આપવી અને નાના વેપારીઓની દુકાનો સીલ કરવી તેના બદલે વ્યાજમાફીની સ્કિમ અપાય તો આપોઆપ વેરા આવક વધશે.
બાકીદારોને વેરો ભરવા માટે એક તક આપવી જોઇએ: ગૌતમ ધમસાણીયા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને પાટીદાર અગ્રણી ગૌતમભાઇ ઘમસાણિયાએ જણાવ્યું હતું કે વ્યાપાર ઉદ્યોગમાં તેજી મંદી આવતી હોય છે ત્યારે સંજોગોવશાત મિલકતવેરો ભરી શક્યા ન હોય તેવા બાકીદારોને વ્યાજમાફીની સ્કિમ આપીને મહાપાલિકાએ બાકીદારોને નિયમિત કરદાતા બનવા એક તક આપવી જોઇએ.
વ્યાજના નુકસાનથી વેરાની આવક હરહંમેશ વધુ જ થશે: રાજીવ દોશી
ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રેસિડેન્ટ અને જૈન શ્રેષ્ઠી સીએ રાજીવભાઇ દોશીએ જણાવ્યું હતું કે મહાપાલિકાએ વ્યાજમાફી સ્કિમ આપવી જ જોઇએ.વ્યાજના નુકસાનથી વેરાની આવક તો હંમેશા વધુ જ થશે. જે કરદાતાઓ મોટી રકમ ચડત હોવાને કારણે વેરો ભરતા નથી તે વર્ગ વ્યાજ માફ થતા વેરો ચુકવશે. સ્લેબવાઇઝ વ્યાજ માફી સ્કિમ પણ આપી શકાય.
વ્યાજ માફીની સ્કિમ વેપારી આલમમાં આવકાર્ય બનશે: ભાયાભાઇ સાહોલિયા
રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ જણાવ્યું હતું કે મહાપાલિકા મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ આપશે તો તે વેપારીઓમાં આવકાર્ય બનશે. દરેક બાકીદાર ઇરાદાપૂર્વક વેરો ભરતા ન હોય તેવા હોતા નથી, વેપારીને ક્યારેક મંદી હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય, તો ક્યારેક દેશ પરદેશ ગયા હોય છે અને ક્યારેક મોટી રકમનું વ્યાજ ચડત થતા વેરો ભરી શકે નહીં તેવું બને છે.
અમદાવાદ જેમ રાજકોટ મનપાએ વ્યાજમાફી આપવી જોઇએ:શાહ
રાજકોટના ઓઇલમિલર શ્યામભાઇ શાહ (રાજમોતી)એ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતવેરામાં વ્યાજ માફીની સ્કિમ જાહેર કરી છે ત્યારે રાજકોટ મહાપાલિકા પણ આવી સ્કિમ આપે તો તેને વ્યાપાર ઉદ્યોગ જગતમાંથી વ્યાપક આવકાર મળશે તે નક્કી છે. મિલકતધારકોની લાગણી પૂર્વકની માંગણી અંગે એક વખત વિચાર કરવો જોઈએ.