ગુજરાતભરમાં હાલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને લોકો હવે અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મેળવવા માટે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે, આ વર્ષે મેઘરાજાના સત્તાવાર આગમન પહેલાં જ રાજ્યમાં પાણીની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યની જીવાદોરી સમાન કુલ ૨૦૭ નાના-મોટા જળાશયોમાં સરેરાશ જળસ્તર ઘટીને માત્ર ૫૫.૨૪ ટકા જ બચ્યું છે. જ્યારે 10 મોટા ડેમો તળિયાઝાટક થઈ ગયા છે. ઉનાળાની આ આખરી સીઝનમાં પાણીનો વપરાશ વધવાને કારણે ડેમો ખાલી થઈ રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં વહીવટી તંત્ર અને આમ જનતા માટે પાણીનું વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર બની રહેશે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના અહેવાલો અનુસાર, સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતના ૮૮ જેટલા જળાશયોમાં પાણીનો સંગ્રહ હવે ૨૦ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ ડેમો ડેડ સ્ટોરેજ તરફ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત, રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા ૧૦ મોટા અને મુખ્ય ડેમ તો સાવ તળિયાઝાટક એટલે કે સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. આ વિસ્તારોમાં અત્યારથી જ સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને પીવાના પાણી માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ૯૦ ટકાથી વધુ જળસ્તર ધરાવતું જો કોઈ એકમાત્ર જળાશય બચ્યું હોય તો તે રાજકોટનું 'આજી-૨' છે. આ સિવાય સંતોષજનક અને નોંધપાત્ર જળસ્તર ધરાવતા અન્ય જળાશયોમાં ભાવનગરના હાનોલ ડેમમાં ૮૮.૯૩ ટકા, સુરેન્દ્રનગરના વાંસોલ ડેમમાં ૮૭.૧૫ ટકા, મહીસાગરના વણાકબોરી ડેમમાં ૮૬.૮૯ ટકા અને ભાવનગરના રંઘોળા ડેમમાં ૮૩.૭૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ગણ્યાગાંઠ્યા ડેમોને બાદ કરતાં બાકીના મોટાભાગના જળાશયોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે.
રાજ્યભરમાં સર્જાયેલી આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે ગુજરાતની મુખ્ય જીવાદોરી ગણાતા નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી રાહતના સમાચાર મળી રહ્યા છે. નર્મદા ડેમમાં હાલમાં ૭૦.૯૨ ટકા જેટલો પર્યાપ્ત જળસ્તર નોંધાયું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો તથા ગામડાંઓ સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે આ નર્મદાના નીર આગામી ચોમાસા સુધીનો સમયગાળો કાઢવા માટે સૌથી મહત્વનો અને મજબૂત સ્ત્રોત સાબિત થશે.
રાજ્યના જે ૧૦ જળાશયોમાં પાણીનો જથ્થો શૂન્ય થઈ ગયો છે અને જમીન ફાટી ગઈ છે, તેમાં મુખ્યત્વે પોરબંદર જિલ્લાનો સારણ ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, કચ્છનો કૈલા ડેમ, પોરબંદરનો અમીપુર ડેમ, દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનો નિમ્બાણી ડેમ શામેલ છે. આ વિસ્તારોમાં જળસંકટ ઘેરૂ બન્યું છે. જો આ વર્ષે ચોમાસું સમયસર નહીં બેસે અથવા વરસાદ ખેંચાશે તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે તેમજ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પાણીના બગાડ પર રોક લગાવવા અને ઉપલબ્ધ જથ્થાનું આયોજનપૂર્વક વિતરણ કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે.