BREAKING NEWS

RMCનો ભાંગરો: પશ્ચિમ રાજકોટમાં વરસ્યો 17 મીમી, નોંધ્યો 117 મીમી વરસાદ

  • August 03, 2026 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રવિવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરે ધોધમાર ખાબકતા પશ્ચિમ રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે પશ્ચિમ રાજકોટમાં પાંચથી છ ઇંચ વરસાદ વરસ્યાની ગેરસમજ ફેલાઈ હતી. આવું એટલા માટે બન્યું કે પશ્ચિમ ઝોનમાં વરસાદ ૧૭ મીમી વરસ્યો હતો પરંતુ ઓનલાઈન એન્ટ્રી કરવામાં ભૂલથી ૧૧૭ મીમી નોંધાઈ જતા મહાપાલિકાની વેબસાઇટ સહિતના સરકારી રેકર્ડમાં ૧૧૭ મીમી વરસાદની એન્ટ્રી થઇ ગઈ હતી. જો કે સત્ય હકીકતની જાણ થઈ જતા તુરંત ગાંધીનગર સુધી ટેલિફોનીક જાણ કરીને ૧૧૭ મીમીના બદલે ૧૭ મીમી વરસાદ હોવાની ભૂલ સુધારણા કરાઈ હતી. અલબત્ત મનપાની વેબ સાઇટમાં ઓનલાઈન દર્શાવતા વરસાદના આંકમાં કરેકશન થઈ શકતું ન હોય તેમાં હજુ પણ ૧૧૭ મીમી વરસાદ નોંધાયેલો યથાવત દર્શાવે છે !


રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ, વેસ્ટ ઝોન હેઠળના ન્યૂ રાજકોટમાં દોઢ ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં ૧૮ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો.


વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં સારા વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટની ભાગોળે પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે આવેલું લાલપરી તળાવ ગઇકાલે રવિવારે ઓવરફ્લો થયું હતું. કુલ ૧૫ ફૂટની ઊંડાઈના તળાવમાં ગઇકાલે એક ફૂટ નવા નીરની આવક થતા તળાવ છલકાયું હતું. રાજાશાહી વખતનું આ તળાવ વર્ષો સુધી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતું હતું, જ્યારે છેલ્લા બે દાયકાથી આ તળાવનું પાણી ઝૂના પશુ પંખીઓ અને પ્રાણીઓ માટે તેમજ બાગાયત માટે રિઝર્વ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application