બીસીસીઆઈની પ્રતિષ્ઠિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27 ટી-20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમે વિજયી શરૂઆત કરી છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી એલિટ ગ્રુપ-બીની મુકાબલામાં સૌરાષ્ટ્રે બિહારને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં ચેતન સાકરિયાની શાનદાર બોલિંગ અને હરવંશ સિંહની આક્રમક બેટિંગ જીતના મુખ્ય આધાર બન્યાં હતાં. ચેતન સાકરિયાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
મેચમાં બિહારની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બિહારે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. બિહાર તરફથી પૃથ્વી રાજે 27 બોલમાં 4 છગ્ગાની મદદથી 38 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અલ્તામિશે 24 અને વૈભવ સૂર્યવંશીએ 18 રનનું યોગદાન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રેરક માંકડે પણ 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ મેળવી બિહારના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. જયદેવ ઉનડકટ અને ક્રેઇન્સ ફુલેટ્રાએ 1-1 વિકેટ ઝડપી હતી.
138 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે આક્રમક શરૂઆત સાથે 16.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવી વિજય મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર તરફથી હરવંશ સિંહે માત્ર 11 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તોફાની 33 રન ફટકાર્યા હતા. હાર્વિક દેસાઈએ 21 રન બનાવ્યા હતા, જ્યારે રુચિત આહિર અને સિદ્ધાંત રાણાએ અણનમ 21-21 રનનું યોગદાન આપ્યું હતું.
બિહાર તરફથી સૂરજ કશ્યપે 4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ રીતે સૌરાષ્ટ્રે 5 વિકેટે શાનદાર જીત મેળવી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.
સૌરાષ્ટ્રની પ્લેઇંગ ઇલેવનમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન), હાર્વિક દેસાઈ (વિકેટકીપર), પ્રેરક માંકડ, વિશ્વરાજસિંહ જાડેજા, સમ્મર ગજ્જર, હરવંશ સિંહ, ચેતન સાકરિયા, પાર્થ ભુત, રુચિત આહિર, સિદ્ધાંત રાણા અને ક્રેઇન્સ ફુલેટ્રાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની આગામી મેચ 16 નવેમ્બર 2026ના રોજ હરિયાણા સામે ડેલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે 1:30 વાગ્યે રમાશે.