BREAKING NEWS

બેબી પાવડરથી કેન્સર થતા મહિલાનું મોત, 8500 કરોડનું વળતર આપવા જોન્સન એન્ડ જોન્સનને કોર્ટનો આદેશ

  • October 09, 2025 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની લોસ એન્જલસની એક કોર્ટે જોન્સન એન્ડ જોન્સન કંપનીને મેસોથેલિઓમા કેન્સરથી મૃત્યુ પામેલી મહિલાના પરિવારને રૂ.8,500 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે દંડ ફટકાર્યો છે, જેમાં મહિલાના મૃત્યુ માટે કંપનીને જવાબદાર ઠેરવી છે. પરિવારે દાવો કર્યો છે કે મહિલાએ જીવનભર કંપનીના બેબી પાવડરનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેણીને કેન્સર થયું હતું.


જજની પેનલે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું કે જોન્સન એન્ડ જોન્સન મહિલા મે મૂરને થયેલા કેન્સર માટે જવાબદાર છે. તે એસ્બેસ્ટોસ સાથે સંબંધિત છે. જ્યુરીએ વળતર તરીકે લગભગ રૂ. 140 કરોડ અને સજા તરીકે રૂ. 8,360 કરોડ આપવાનો આદેશ આપ્યો. મૂરનું 2021માં 88 વર્ષની વયે અવસાન થયું. પરિવારે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ પાવડરમાં કેન્સરના જોખમો સ્પષ્ટ ન કરીને તેમની સાથે છેતરપિંડી કરી છે. પરિવારના વકીલ જેસિકા ડીને કહ્યું, કોર્ટમાં અમારો કેસ સાબિત કરવામાં અમને પાંચ વર્ષ લાગ્યા. મૂરે આ બેબી પાવડરનો ઉપયોગ લગભગ 80 વર્ષ સુધી શાવર-ટુ-શાવર પાવડર સાથે કર્યો હતો. કંપનીએ 2012માં વેલેન્ટ ફાર્માને શાવર-ટુ-શાવર 150 મિલિયન ડોલરમાં વેચ્યું હતું.


જોન્સન એન્ડ જોન્સનના વૈશ્વિક કાનૂની સલાહકાર એરિક હાસે જણાવ્યું હતું કે, અમે આ ગંભીર નિર્ણય સામે તાત્કાલિક અપીલ કરીશું. આ નિર્ણય કંપનીએ જીતેલા મોટાભાગના બેબી પાવડર કેસોથી તદ્દન વિપરીત છે.


કંપનીએ તેના બેબી પાવડરમાં એસ્બેસ્ટોસ હોવાનો આરોપ લગાવતા કેસ લડવામાં 3 બિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યો છે. છતાં, કંપની સામે 70,000થી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાં આરોપ છે કે તે મેસોથેલિયોમા અને અંડાશયના કેન્સરનું કારણ બને છે. કંપનીએ 2023માં વૈશ્વિક બજારમાંથી પાવડર પાછો ખેંચી લીધો હતો. આ દાવાઓને ઉકેલવા માટે તેણે નાદારી અદાલતોનો સંપર્ક કર્યો છે, પરંતુ તેના પ્રયાસો ત્રણ વખત નિષ્ફળ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News